01 January, 2025 11:08 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent
જુઓ ચોરને
થર્ટીફર્સ્ટની પાર્ટીમાં દારૂ પીવાનો જુગાડ કરવાના હેતુથી તેલંગણના મેડક વિસ્તારમાં કનકદુર્ગા વાઇન્સ નામની એક લિકરશૉપમાં રવિવારે રાતે એક ચોર ઘૂસી ગયો હતો. પોતાની ચોરી પકડાય નહીં એ માટે તેણે ખૂબ મહેનત કરી હતી. છત પરની કેટલીક ટાઇલ્સ હટાવીને તેણે પહેલાં સ્ટોરના CCTV કૅમેરા ડિસેબલ કર્યા અને પછી તે સ્ટોરમાં ઘૂસ્યો હતો. પહેલાં તેણે કૅશ કાઉન્ટરમાંથી જેટલી રોકડ હતી એ કાઢી લીધી અને દારૂનો સ્ટૉક પણ પોતાને માટે લઈ લીધો. જોકે એ પછી તેનું મન લલચાઈ ગયું અને ત્યાં જ દારૂ પીવા બેસી ગયો. એક વાર પીવાનું શરૂ થતાં તે ભાન ભૂલ્યો અને ત્યાં જ ટલ્લી થઈને લંબાવી દીધું. સોમવારે સવારે જ્યારે માલિક આવ્યો ત્યારે તેણે ચોરને અંદર બેભાન હાલતમાં જોયો. એ પછી પોલીસ આવીને તેને પકડી ગઈ. જોકે એવું કહેવાય છે કે તે છેક સોમવાર સાંજ સુધી સૂધબૂધ ખોઈને નશામાં બેભાન રહ્યો હતો.