09 September, 2024 03:13 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
સ્ટન્ટ કરવા યુવકે કોબ્રાનું મોં પોતાના મોઢામાં લીધું, ડંખ મારતાં મૃત્યુ થયું
રીલ બનાવવામાં અને સ્ટન્ટ કરવામાં લોકો અનહદ જોખમ વહોરી લેતા હોય છે અને ક્યારેક મોતને પણ ભેટી જતા હોય છે. તેલંગણના કામારેડ્ડી જિલ્લામાં આવો જ જીવલેણ સ્ટન્ટ કરવા જતાં યુવકનું મૃત્યુ થયું છે. દેસાઈપેટ ગામના ૨૩ વર્ષના શિવ રાજુલુ નામના યુવાને સોશ્યલ મીડિયા પર છવાઈ જવા માટે અતિશય ઝેરી સાપ કોબ્રાને પકડી લીધો અને પછી એનું મોં મોઢા પાસે લઈને લટકાવ્યો હતો. આ સ્ટન્ટની રીલ બનાવતો હતો ત્યારે કોબ્રાએ ડંખ માર્યો અને શિવ રાજુલુ બેભાન થઈ ગયો હતો. તેને હૉસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેના પિતા ગંગારામ સાપ પકડે છે અને તેમણે જ શિવને કોબ્રા આપ્યો હતો.