31 October, 2024 03:21 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનના જુંજૂનું જિલ્લામાં ખિસ્સામાં રાખેલો ફટાકડો ફૂટી જતાં ૧૩ વર્ષના બાળકનું મૃત્યુ થયું
રાજસ્થાનના જુંજૂનું જિલ્લામાં ખિસ્સામાં રાખેલો ફટાકડો ફૂટી જતાં ૧૩ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. હરિયાણા રાજ્યની નજીક આવેલા સૂરજગઢ ગામના હિમાંશુએ જૂસ અને ચૉકલેટ લેવા માટે મમ્મી પાસેથી ૧૦૦ રૂપિયા લીધા હતા, પણ તેણે એ પૈસામાંથી ફટાકડા બનાવવા માટે સલ્ફર અને પોટૅશિયમ ખરીદ્યાં હતાં. પછી મિત્રની સાથે મળીને તેણે ફટાકડો બનાવ્યો હતો. તેની બહેને અખતરા કરવાની ના પાડી હતી, પણ હિમાંશુ ધરાર માન્યો નહોતો. એ પછી ફટાકડો અને વધેલું મિક્સ્ચર કાચની બૉટલમાં ભરીને ખિસ્સામાં મૂકીને કાકાના ઘરે ગયો. ત્યાં તેના એક મિત્રે ફટાકડો સળગાવ્યો અને એનો તણખો હિમાંશુના ખિસ્સા પર પડ્યો અને સલ્ફર ને પોટૅશિયમના એ મિક્સ્ચરે આગ પકડી લીધી. બૉટલનો કાચ તૂટતાં તેની જમણી જાંઘ ફાટી ગઈ. તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાયો હતો પણ હાલત ગંભીર હોવાથી જયપુરની MMS હૉસ્પિટલ લઈ જવો પડ્યો હતો. અહીં મંગળવારે તેનું મૃત્યુ થયું હતું.