તામિલનાડુના રહેવાસીએ એલિયનનું મંદિર બંધાવી પ્રાર્થના કરી, ‘હે એલિયન પ્રભુ! કુદરતી આફતોથી રક્ષા કરજો’

04 August, 2024 04:02 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

૨૦૨૧માં લોગનાથને પોતાના ગુરુ સિદ્ધભાગ્યની સમાધિ પાસે મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું હતું અને હજી પણ ચાલી રહ્યું છે.

તામિલનાડુના રહેવાસીએ એલિયનનું મંદિર બંધાવી પ્રાર્થના કરી

‘શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર.’ માતરીસાહેબે આ શેરમાં આસ્થા રાખવા માટે પુરાવાની જરૂર ન હોવાનું કહ્યું છે, પરંતુ તામિલનાડુના સાલેમ જિલ્લાસ્થિત મલ્લામુપંબટ્ટી ગામમાં આસ્થાનો અતિરેક ગણી શકાય એવું થયું છે. અહીં રહેલા લોગનાથને ગામમાં પરગ્રહવાસી એલિયનનું મંદિર બંધાવ્યું છે. લોગનાથન દરરોજ પોતાના એલિયન પ્રભુની પૂજા-અર્ચના અને આરતી કરે છે. તેમનું માનવું છે કે આફતોને રોકવાની શક્તિ માત્ર ને માત્ર એલિયન્સ પાસે જ છે. ૨૦૨૧માં લોગનાથને પોતાના ગુરુ સિદ્ધભાગ્યની સમાધિ પાસે મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું હતું અને હજી પણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ક્યાંય જોયું કે સાંભળ્યું ન હોવાથી અનેક ‘શ્રદ્ધાળુઓ’ એલિયનના મંદિરે આવે છે. મંદિર બંધાવ્યું ત્યાં સુધી તો ઠીક, પણ લોગનાથનભાઈ તો કહે છે કે એલિયન સાથે પોતે વાત પણ કરે છે. એલિયનની મંજૂરી લઈને જ આ મંદિર બંધાવ્યું છે. એલિયન તમામ ઇચ્છા પૂરી કરે છે. બસ તમારે એલિયનના અસ્તિત્વ પર પ્રાણાણિકતાથી વિશ્વાસ મૂકવો પડશે. પછી માત્ર બાવીસ મિનિટનું ધ્યાન ધરશો તો મનોકામના પૂરી થઈ જશે. તમારી પણ કોઈ ઇચ્છા પૂરી ન થતી હોય તો એક વાર જઈ આવજો એલિયન પ્રભુનાં દર્શન કરવા.

tamil nadu offbeat news national news chennai social media