09 December, 2022 11:09 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વિશ્વના સૌથી ઊંચા મનાતા વ્યક્તિ રૉબર્ટ વાડલોનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. તેનું કદ ૮ ફુટ ૧૧ ઇંચ હતું. ટ્વિટરના ‘હિસ્ટરી ઇન કલર’ નામના પેજ પર રૉબર્ટ વાડલોના પરિવાર સાથેનો ફોટો અપલોડ કરવામાં આવ્યો છે, જેની કૅપ્શનમાં લખ્યું છે, ‘ધ જાયન્ટ ઑફ ઇલિનોઇસ’ રૉબર્ટ વાડલો - તેના પરિવાર સાથે.’
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પણ આ ફોટોને રીટ્વીટ કરી લખ્યું છે કે ‘વિશ્વની અત્યાર સુધી સૌથી ઊંચું કદ ધરાવતી વ્યક્તિનો અદ્ભુત ફોટો.’
યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇલિનોઇસના મેડિસન કાઉન્ટીના મિસિસિપી નદી પર આવેલા શહેર એલ્ટનમાં રહેતા અને ૧૯૧૮ની ૨૨ ફેબ્રુઆરીએ જન્મેલા રૉબર્ટની ઊંચાઈ છેલ્લે ૧૯૪૦માં માપવામાં આવી હતી, એ સમયે ૨.૭૨ મીટર (૮ ફુટ ૧૧.૧ ઇંચ) હતી. રૉબર્ટનાં માતા-પિતા સામાન્ય કદ ધરાવતાં હતાં. પાંચ વર્ષની વયે રૉબર્ટનું કદ ૧.૬૩ મીટર (પાંચ ફુટ ૪ ઇંચ) હતું અને તે ટીનેજર્સ પહેરે એ માપનાં કપડાં પહેરતો હતો. ૧૭ વર્ષની વયે તે ૨.૪૫ મીટર (૮ ફુટ ૦.૫ ઇંચ)નું કદ ધરાવતો હતો.
રૉબર્ટના પગ (૪૭ સેન્ટિમીટર - ૧૮.૫ ઇંચ) અને હાથ (૩૨.૩ સેન્ટિમીટર - ૧૨.૭ ઇંચ) લાંબા હતા. ડૉક્ટરોના મતે રૉબર્ટની હદ બહારની ઊંચાઈ પાછળનું કારણ તેની પિટ્યુટરી ગ્લૅન્ડનાે હાઇપરલેસિયા છે, જે હૉર્મોનનું અસાધારણ રીતે ઉચ્ચ સ્તરનું કારણ છે. એ સમયે રૉબર્ટને કોઈ સારવાર આપવામાં આવી ન હોવાનું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે જણાવ્યું હતું. આજે આ બીમારીમાં સર્જરીથી રાહત મળી શકે છે.