06 November, 2024 05:10 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિવાળીના તહેવારમાં ફૂડ ડિલિવરી ઍપને સારોએવો ધંધો મળ્યો છે છતાં ઘણી વાર લાલચને કારણે નુકસાન વેઠવું પડે છે. માત્ર ૧૦૩ રૂપિયા ડિલિવરી-ચાર્જ વસૂલવાની લાલચમાં સ્વિગીએ ખોટી રીતે ડિસ્ટન્સ વધારી દીધું અને હવે કંપનીએ ૩૫,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. હૈદરાબાદના એમ્માડીમાં રહેતા સુરેશબાબુએ સ્વિગી વન મેમ્બરશિપ લીધી છે. એમાં અમુક નક્કી કરેલા અંતર સુધી ડિલિવરી-ચાર્જ લેવાતો નથી. સુરેશબાબુએ ૧ નવેમ્બરે સ્વિગી ઍપમાં ઑર્ડર આપ્યો હતો. તેમના ઘરથી રેસ્ટોરાંનું અંતર ૯.૭ કિલોમીટર હતું, પણ ડિલિવરી-ચાર્જ વસૂલી શકાય એ માટે અંતર ૧૪ કિલોમીટર કરી નાખ્યું અને ૧૦૩ રૂપિયાનો ડિલિવરી-ચાર્જ વસૂલ્યો. સુરેશબાબુએ રંગારેડ્ડી જિલ્લાના ગ્રાહક ફોરમમાં કેસ કર્યો. તેમણે ગૂગલ-મૅપના સ્ક્રીન-શૉટ સહિતના પુરાવા આપ્યા હતા. એમની તપાસમાં ખોટી રીતે અંતર વધાર્યાનું પુરવાર થયું એટલે ફોરમે ભોજનના બિલના ૩૫૦.૪૮ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા અને ડિલિવરી-ચાર્જ પેટે લીધેલા ૧૦૩ રૂપિયા પાછા કરવાનો આદેશ કર્યો છે. એ સિવાય માનસિક ત્રાસ બદલ ૫૦૦૦ અને વધારાના ૫૦૦૦ રૂપિયા સહિત કેસનો ખર્ચ ચૂકવવા પણ કહ્યું છે. એ ઉપરાંત જિલ્લાના ગ્રાહક કલ્યાણ ભંડોળમાં૨૫,૦૦૦ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સ્વિગીએ આ બધી ચુકવણી ૪૫ દિવસમાં કરવી પડશે.