પૃથ્વી પર આવનારા વિનાશક પ્રલયથી બચવા શ્રીમંતો બનાવી રહ્યા છે બંકર

30 December, 2022 11:20 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ક્લાઇમેટ ચેન્જને કારણે અમેરિકાના દરિયાકાંઠા વિસ્તારોમાં પૂરનાં પાણી ધસી રહ્યાં છે

વિશાળ બંકર

આપણી પૃથ્વીનો અંત નજીક છે એવું અમેરિકામાં ૧૦ પૈકીના ૪ લોકો માની રહ્યા છે. જોકે બહુ મોટો પ્રલય આવે એવા સંજોગોમાં બચવા માટે અમુક શ્રીમંતો વિશાળ બંકર બનાવી રહ્યા છે. અત્યારે પણ કોરોનાના રોગચાળાનો ખતરો ટળ્યો નથી. ક્લાઇમેટ ચેન્જને કારણે અમેરિકાના દરિયાકાંઠા વિસ્તારોમાં પૂરનાં પાણી ધસી રહ્યાં છે. યુક્રેનને બરબાદ કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ પરમાણુ શસ્ત્રોના હુમલાની ધમકી આપે છે. આ બધાને કારણે અમેરિકામાં થયેલા ૧૦,૦૦૦ વ્યક્તિના સર્વેમાં ૩૯ ટકા લોકોને લાગી રહ્યું છે કે પૃથ્વીનો વિનાશ બહુ નજીક છે. ઑનલાઇન પેમેન્ટ સિસ્ટમ પેપલના ફાઉન્ડર પીટર થિયેલ અને સિલિકૉન વૅલીના ઉદ્યોગ સાહસિક સૅમ ઑલ્ટમૅને પ્રલયથી બચવા માટે ન્યુ ઝીલૅન્ડમાં રહેવાનું નક્કી કર્યું છે.

અમેરિકાના લેખક ડગ્લાસ રશકોફે તાજેતરમાં એક ગુપ્ત મીટિંગની વાત કરી હતી, જેમાં શ્રીમંતો કેટલાં સારાં બંકર બનાવી શકાય એની ચર્ચા થઈ હતી. ઘણી કંપનીઓ આવી ઘણી બધી માગને પહોંચી વળવા માટે તૈયાર થઈ હતી, જેમાં રાઇઝિંસ એસ નામની કંપનીનો સમાવેશ છે, જેણે ન્યુ ઝીલૅન્ડમાં આવાં ૧૪ બંકર બનાવ્યાં હતાં, જેમાં અમેરિકાની નકામી થઈ ગયેલી મિસાઇલને જમીનની અંદરના હાઇરાઇઝમાં પરિવર્તિત કરવામાં આવે છે. પીટર થિયેલ દ્વારા ૪.૭ મિલ્યન ડૉલર (૩૮ કરોડ રૂપિયા)માં આવી પ્રૉપર્ટી બનાવવામાં આવી છે, જેમાં પણ એક પૅનિક રૂમ બનાવવામાં આવી છે. ટેક્સસની રાઇઝિંગ એસ કંપની દ્વારા ૯.૬ મિલ્યન (અંદાજે ૮૦ કરોડ રૂપિયા)માં આવાં બંકર બનાવી અપાય છે, જેમાં સ્વિમિંગ-પૂલ પણ છે.

offbeat news international news united states of america