30 June, 2024 01:02 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુધા મૂર્તિ
લેખિકા, શિક્ષિકા, દાનવીર અને રાજ્યસભાનાં સંસદસભ્ય સુધા મૂર્તિ સમાજમાં લિંગસમાનતાને લઈને ઘણી વાર પોતાનો મત રજૂ કરે છે. સુધા મૂર્તિએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને તેમના મતે જેન્ડર ઇક્વલિટી શું છે એના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘મારા મતે સ્ત્રી અને પુરુષ સમાન છે, પરંતુ જુદી-જુદી રીતે. તેઓ સાઇકલનાં બે પૈડાંની જેમ એકબીજાનાં પૂરક હોય છે. આગળ વધવા માટે બન્ને પૈડાંની જરૂર પડે છે. તમે એવું ન કહી શકો કે મને બીજા પૈડાની જરૂર નથી.’
ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં ભૂતપૂર્વ ચૅરપર્સન સુધા મૂર્તિએ કહ્યું કે ‘પહેલાં તો સમાનતા શું છે એ વ્યાખ્યાયિત કરવું જોઈએ. તમે જાણો છો કે બન્નેની જાતિ અલગ છે. મહિલાઓમાં ભાષાકીય ક્ષમતા, મૅનેજમેન્ટ સ્કિલ તેમ જ કરુણા અને ઉછેરની આવડત જન્મજાત હોય છે. તમે કોઈ પણ સંબંધ જોશો તો એ હંમેશાં પ્રેમ અને લાગણી આપનાર વ્યક્તિ છે.’ તેમણે ઉમેર્યું કે ‘પુરુષો અલગ હોય છે. તેમનો ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ સારો હશે, પણ ઇમોશનલ ક્વોશન્ટ મહિલાઓ જેટલો સારો તો નહીં જ હોય.’