13 March, 2021 10:18 AM IST | Mumbai | Mumbai correspondent
રખડતો ડૉગ જાતે ક્લિનિકમાં આવ્યો:ડૉક્ટરે તપાસીને કૅન્સરની ગાંઠ શોધી કાઢી
સામાન્ય રીતે પાળેલાં પશુઓને તેમની તબિયત તપાસવા કે સારવાર માટે તેમના માલિકો વેટરિનરી ક્લિનિકમાં લઈ જાય છે, પરંતુ ગઈ ૬ માર્ચે બ્રાઝિલના જુઝારો દે નોર્તે-સેરા સ્થિત આવા એક ક્લિનિકમાં અજબ ઘટના બની હતી. એક રખડતો ડૉગ જાતે ત્યાં પહોંચી ગયો હતો. ક્લિનિકમાં એ પહોંચ્યો ત્યારે તેના પગ લથડતા હતા. વેટરિનરી મહિલા ડૉક્ટર ડિસિલ્વા કૂતરા પાસે પહોંચ્યાં ત્યારે કૂતરાએ પંજો આગળ ધરી દીધો હતો. એના પગના પંજાના નખમાં બીમારી જોવા મળતી હતી, પરંતુ ડૉક્ટરોએ તેને બરાબર તપાસ્યો ત્યારે તેના ગુપ્તાંગ પાસે કૅન્સરની ગાંઠ જોવા મળી હતી. ડૉક્ટરોએ કૅન્સરની એ ગાંઠ બાળી નાખવા માટે કીમો થેરપી આપવાનું શરૂ કર્યા પછી એ ડૉગી રાહત અનુભવે છે. રખડતા કૂતરાના પ્રવેશની આખી ઘટના વીઆઇપી વેરિનરી ક્લિનિકના સર્વેલન્સ (સીસીટીવી) કૅમેરામાં રેકૉર્ડ થઈ છે. એ ડૉગની સારવારના ખર્ચને પહોંચી વળવા શરૂ કરવામાં આવેલા ઑનલાઇન અભિયાનમાં ૭૧૩ ડૉલર (લગભગ ૫૨,૦૦૦ રૂપિયા) ભેગા થયા હતા. એ રખડતા બીમાર કૂતરા વિશે વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા પછી ક્લિનિકમાં ઘણા લોકોએ ફોન કર્યા હતા, પરંતુ એને દત્તક લેવાના અડૉપ્શન ડૉક્યુમેન્ટ્સ પર સહી કરવા કોઈ ત્યાં હાજર થયું નહોતું.