ન્યુ ઝીલૅન્ડના દરિયાકાંઠે મળ્યા વિચિત્ર દરિયાઈ જીવો

16 May, 2023 12:25 PM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

૭ મેએ કાયલી મૉર્મન નામની મહિલા મૉર્નિંક-વૉક માટે નીકળી હતી ત્યારે તેણે લાકડાના ટુકડા પર વીંટળાઈને છીપલાંઓની અંદર ઢંકાયેલા કૃમિ જેવા જીવ જોયા.

ન્યુ ઝીલૅન્ડના દરિયાકાંઠે મળ્યા વિચિત્ર દરિયાઈ જીવો

સમુદ્રના તળિયે પણ અજબગજબની પ્રાણીઓની સૃષ્ટિ હોય છે. ઘણી વખત પવન અને મોજાં સાથે ઘસડાઈને એ કિનારા પર આવી જાય તો લોકો એ જોઈને અવાક્ બની જાય છે. ન્યુ ઝીલૅન્ડના દરિયાકાંઠે પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. ૭ મેએ કાયલી મૉર્મન નામની મહિલા મૉર્નિંક-વૉક માટે નીકળી હતી ત્યારે તેણે લાકડાના ટુકડા પર વીંટળાઈને છીપલાંઓની અંદર ઢંકાયેલા કૃમિ જેવા જીવ જોયા. એ પૈકી ઘણા તો પાંચ મીટર સુધીની લંબાઈ ધરાવતા હતા. ફોટો વાઇરલ થતાં નિષ્ણાતોએ એ ગુસનેક બાર્નેકલ્સ હોવાનું જણાવ્યું હતું. લોકો લાકડા પર મોટી સંખ્યામાં બેસેલા આ જીવોને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઓકલૅન્ડ મ્યુઝિયમના ક્યુરેટરના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જે ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાયા હતા એને કારણે એ અહીં ખેંચાઈ આવ્યા હતા. કૃમિ જેવા દેખાતા જીવો જીવતા હતા. મેડિટરેનિયન સંસ્કૃતિમાં લોકો આ જીવનો ઉપયોગ ખોરાક તરીકે પણ કરતા હતા. સામાન્ય રીતે લાકડા તેમ જ સમુદ્રની અંદર પથ્થર પર એ ચોંટેલા હોય છે.

offbeat news international news new zealand