21 December, 2022 12:01 PM IST | Sacramento | Gujarati Mid-day Correspondent
આયર્નમૅન બૂટ પહેરો અને ઝડપથી ચાલો
આયર્નમૅન પહેરે એવાં બૂટની ખરેખર શોધ થઈ ગઈ છે જે તમને ઝડપથી ચાલવા માટે વધારાનો પાવર આપે છે. આ રોબોટિક બૂટ પહેર્યા બાદ માત્ર અમુક ઝડપે જ ચાલી શકાય એ વાત ભૂતકાળ બની જશે. સ્ટૅનફર્ડ યુનિવર્સિટીની બાયોમિકેટ્રૉનિક્સ લૅબ દ્વારા એક એક્સોસ્કેલ્ટન બનાવવામાં આવ્યું જે માણસને ચાલતી વખતે મોટર દ્વારા સંચાલિત બળ આપે છે. પોસ્ટડૉક્ટરલ રોબોટિક્સ નિષ્ણાત પેટ્રિક સ્લેડના જણાવ્યા પ્રમાણે આ એક વાસ્તવિક દુનિયાનો આયર્નમૅન છે, જેની પાસે મોટર ધરાવતાં શૂઝ છે. ચાલતી વખતે પગની પિંડીનું કામ મોટર કરે છે. જેના દ્વારા વધુ પગલાં ભરી શકાય અને ઝડપથી ચાલવામાં મદદ મળે છે. એક જ સાઇઝ બધાને ફિટ થાય છે. જાણે આપણા પગલાને એક સ્પ્રિંગ મળી હોય. ઘણાને આ મશીનથી ચાલવામાં શરૂઆતમાં મુશ્કેલી થાય છે, કારણ કે મશીન દ્વારા મળતી સહાયનો ઉપયોગ કઈ રીતે કરવો એ શીખવું પડે છે. બૂટ ઉતારી દો તો આપણા પગનો આપણને જાણે ભાર લાગવા માંડે છે. આ સંશોધનનો ઉદ્દેશ વૃદ્ધો તેમ જ સરખી રીતે ચાલી ન શકતા હોય એવા લોકો માટે છે.