હળદર, મરચું અને માચીસની કાંડીથી બનાવેલા પેઇન્ટિંગે લોકોનાં દિલ જીતી લીધાં

13 January, 2025 02:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાતળા પાણી જેવા કલરથી અદ્ભુત ચિત્રોનું નિર્માણ કરવા માગતા મૂળ ઉત્તરાખંડના અને હવે દિલ્હીમાં રહેતા પંકજ સિંહ રાઠૌરે સોશ્યલ મીડિયા પર તાજેતરમાં શૅર કરેલું એક ચિત્ર જોરદાર વાઇરલ થયું છે.

પંકજ સિંહ રાઠૌર, હળદર, મરચું અને માચીસની કાંડીથી બનાવેલા પેઇન્ટિંગ

પાતળા પાણી જેવા કલરથી અદ્ભુત ચિત્રોનું નિર્માણ કરવા માગતા મૂળ ઉત્તરાખંડના અને હવે દિલ્હીમાં રહેતા પંકજ સિંહ રાઠૌરે સોશ્યલ મીડિયા પર તાજેતરમાં શૅર કરેલું એક ચિત્ર જોરદાર વાઇરલ થયું છે. ચાર દિવસ પહેલાં શૅર કરેલા આ ચિત્ર માટે તેણે ઘરના મસાલાનો ઉપયોગ કર્યો છે. એક ચમચી હળદર, અડધી ચમચી મરચું અને માચીસના એક બૉક્સની કાંડીથી તેણે આ ચિત્ર દોર્યું છે. હળદરનું પાણી બનાવીને એના વિવિધ સ્ટ્રોક્સથી યુવતીનો ચહેરો બનાવ્યો છે અને જ્યાં બ્લૅકઆઉટ લાઇન અને વાળની લટ દેખાય છે એ માટે માચીસની કાંડી સળગાવીને બુઝાવી દેવાથી જે નૅચરલ કાળો રંગ બને એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાર દિવસમાં બે કરોડથી વધુ લોકોએ એ જોયું છે અને આ ‘સ્પાઇસી’ પેઇન્ટિંગનાં વખાણ કરતાં થાકતા નથી.

આ પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા તેને એકે ફૅનના સવાલ પરથી મળી હતી. આ ચિત્ર કઈ રીતે બન્યું એનો વિડિયો શૅર કરીને પંકજ સિંહ રાઠૌરે લખ્યું છે, ‘મારા એક ફૅને મને મેસેજ કરેલો કે મને ડ્રૉઇંગ ગમે છે, પણ મારી પાસે તમારા જેવા સારા રંગ નથી. બસ આ મેસેજે મને પ્રેરણા આપી.’ સાથે તેણે કૅપ્શનમાં લખેલું, ‘તમારી ઇચ્છાશક્તિ તમારી સામેના તમામ અવરોધોથી મોટી હોવી જોઈએ.’

new delhi uttarakhand viral videos social media news offbeat news