17 February, 2023 11:19 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
મૅગ્નેટિક બૉમ્બથી પર્ફેક્ટ વિસ્ફોટ
સાયન્ટિસ્ટ્સે પૃથ્વીથી ૧૪ કરોડ પ્રકાશવર્ષ દૂર એક ‘પર્ફેક્ટ’ વિસ્ફોટને ઑબ્ઝર્વ કર્યો હતો, જેનાથી એક સમપ્રમાણ ગોળો રચાયો હતો. એટલે જ આ સાયન્ટિસ્ટ્સને ખૂબ આશ્ચર્ય થયું હતું.
આ વિસ્ફોટ કિલોનોવે તરીકે જાણીતો છે. એક જ ભ્રમણકક્ષામાં ભ્રમણ કરી રહેલા બે ન્યુટ્રોન સ્ટાર્સ ટકરાવાના કારણે આ વિસ્ફોટ થયો હતો. એ ટકરાયા ત્યારે એક મૅગ્નેટિક બૉમ્બ રચાયો હતો. જોકે ફિઝિક્સના નિયમો અનુસાર આ વિસ્ફોટને પરિણામે સપાટ વાદળની રચના થવી જોઈતી હતી.
યુનિવર્સિટી ઑફ કોપનહેગનના ઍસ્ટ્રોફિઝિસ્ટ્સ દ્વારા આ શોધ કરવામાં આવી હતી. તેમનો અંદાજ છે કે વિસ્ફોટના કેન્દ્રમાંથી ઉત્સર્જિત થયેલી ભરપૂર એનર્જીને કારણે આ સમપ્રમાણ ગોળાની રચના થઈ હોવી જોઈએ.
આ સ્ટડી કરનારા આલ્બર્ટ સ્નેપ્પેને કહ્યું કે ‘આ સમપ્રમાણ ગોળાથી ખ્યાલ આવે છે કે વિસ્ફોટના કેન્દ્રસ્થાને કદાચ ભરપૂર એનર્જી હોવી જોઈએ.’