27 September, 2023 08:10 AM IST | Seoul | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
નવી કાર માટે પૂજા કરતા સાઉથ કોરિયાના રાજદૂતનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ક્લિપ તાજેતરમાં એક્સ હૅન્ડલ કોરિયન એમ્બેસી ઇન્ડિયા પર શૅર કરવામાં આવી હતી. વિડિયોમાં ઍમ્બૅસૅડર ચાંગ જે-બોકને નવી હ્યુન્દાઇ જિનેસિસ ખરીદતી વખતે પૂજાવિધિ કરતા બતાવાયા છે. એમાં એક પૂજારી પૂજા કરતા અને ચાંગ જે-બોકના કાંડાની આસપાસ પવિત્ર દોરો બાંધતા જોવા મળે છે. ઍમ્બૅસૅડરના વાહન તરીકે નવી હ્યુન્દાઇ જિનેસિસ મેળવતાં આ પૂજા સમારોહનું આયોજન કર્યું હતું. વિડિયો સાથેની કૅપ્શનમાં જણાવાયું હતું કે અમારા દૂતાવાસની નવી યાત્રામાં જોડાઓ. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં લોકો ઍમ્બૅસૅડરનો આપણી સંસ્કૃતિ અપનાવવા બદલ આભાર માની રહ્યા છે. એક વ્યક્તિએ ટિપ્પણી કરી હતી, ગુડ લક ડિયર ડિપ્લોમૅટ. આશા છે કે એસયુવી ભારત અને કોરિયા વચ્ચેના સંબંધોને એક નવા શિખરે લઈ જશે. બીજાએ લખ્યું કે આ બાબત પ્રશંસનીય છે. રાજદૂત આપણા દેશના વાહન પર સવારી કરશે, જે બન્ને દેશ માટે એક સારો સંદેશ છે. અન્ય એકે ટિપ્પણી કરી કે આ પૂજા કાર્યક્રમ હૃદયસ્પર્શી છે. ભારતમાં કોરિયન દૂતાવાસ દ્વારા બ્લૉકબસ્ટર ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ પર ડાન્સ કરતી ચાંગ જે-બોક અને તેમની ટીમનો એક વિડિયો શૅર કર્યા બાદ હવે આ વિડિયો સામે આવ્યો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રદર્શનને જીવંત અને વંદનીય ટીમ પ્રયાસ ગણાવ્યો હતો.