09 December, 2023 09:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પિતા અજયકુમાર મલ્હોત્રાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા લઈ ગયેલાં એની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. બીજાઓ તો સાવ સીધીસાદી કૅપ્શન આપી અને લોકો ફોટો જોઈને જ ધન્ય-ધન્ય થઈ જશે એવું માની લે, પણ ભાઈ, આ તો સ્મૃતિબહેન, વ્યંગનો જરાઅમસ્તો વઘાર ન કરે ત્યાં સુધી તેમની વાત પૂરી ન થાય. તેમણે કૅપ્શન આપી કે ‘જ્યારે તમારા બૉસ તમારા પિતાને મળે ત્યારે તમે પ્રાર્થના કરતાં હો કે પ્લીઝ એ મારી કોઈ કમ્પલેન ન કરે... પીટીએમ (પેરન્ટ-ટીચર મીટિંગ) ચાલી રહી છે.’ મોદીજીની તસવીર હોયઅને આવી મસ્ત ટૅગલાઇન હોય, પછી નેટિઝન કાંઈ છોડે. હજારોએ આને લાઇક આપીને ખંગ વાળી દીધો. બાય ધ વે, માત્ર તમારા માટે કહીએ છીએ કે લાઇક આપીને કમેન્ટ કરનારાઓમાં એકતા કપૂર અને સોનુ સૂદ પણ ખરાં.