08 January, 2025 02:48 PM IST | Punjab | Gujarati Mid-day Correspondent
૬ ભાઈઓએ ૬ બહેનો સાથે લગ્ન કર્યાં હતાં
પાકિસ્તાનના પંજાબમાં એક એવા લગ્નનો કિસ્સો જાણવા મળ્યો છે જેમાં ૬ ભાઈઓએ ૬ બહેનો સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન એકદમ સાદાઈથી કરવામાં આવ્યાં હતાં જેમાં આશરે ૧૦૦ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ લગ્નનું પ્લાનિંગ કરવામાં એક વર્ષની રાહ જોવી પડી હતી, કારણ કે ૬ ભાઈઓમાં સૌથી નાનો ભાઈ સગીર હતો અને તે ૧૮ વર્ષનો થયો એટલે એકસાથે બધા ભાઈઓએ લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્ન પાછળ એક લાખ પાકિસ્તાની રૂપિયા એટલે કે લગભગ ૩૦,૦૦૦ ભારતીય રૂપિયાનો ખર્ચ આવ્યો છે.
પાકિસ્તાનમાં લગ્ન સમારોહ પાછળ ઘણો ખર્ચ કરવામાં આવે છે પણ આ ભાઈઓ સામૂહિક લગ્ન સમારોહમાં સાદાઈથી લગ્ન કરી સમાજને સંદેશ આપવા માગતા હતા. વળી તેમણે દહેજ પણ લીધું નહોતું અને કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ પણ કર્યો નહોતો. સૌથી મોટા ભાઈએ કહ્યું હતું કે ‘આપણે જોઈએ છીએ કે લોકો લગ્ન કરવા માટે પોતાની જમીન વેચી દે છે. અમે એ જણાવવા માગતા હતા કે લગ્ન આસાન અને પરિવાર પર આર્થિક બોજ નાખ્યા વિના પણ ખુશીથી થઈ શકે છે. અમારાં લગ્ન એ વાત માટે આશાનું કિરણ છે કે દેવાના બોજા હેઠળ દબાયા વિના પણ લગ્ન કરી શકાય છે.’