સિખ કિશોરે સૌથી લાંબા વાળનો વિશ્વવિક્રમ કર્યો

17 September, 2023 08:55 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના આ ૧૫ વર્ષના કિશોરે ૧૪૬ સેમી એટલે કે ૪ ફુટ ૯.૫ ઇંચ સુધી ‍વાળ વધાર્યા હતા

સિદક સિંહ ચહલ

સિદક સિંહ ચહલ નામના એક સિખ કિશોરે તેના આખા જીવનમાં ક્યારેય વાળ કપાવ્યા નથી. લૉન્ગેસ્ટ હેર ઑન અ મેલ ટીનેજરનો આ વર્લ્ડ રેકૉર્ડ સ્થાપવા ઉત્તર પ્રદેશના આ ૧૫ વર્ષના કિશોરે ૧૪૬ સેમી એટલે કે ૪ ફુટ ૯.૫ ઇંચ સુધી ‍વાળ વધાર્યા હતા. સિદક તેના વાળ અઠવાડિયામાં બે વખત ધુએ છે અને દર વખતે એને ધોવા, સૂકવવા અને ઓળવામાં તેને એક કલાક લાગે છે. તેણે કહ્યું કે જો મારી મમ્મી મને આમાં મદદ નહીં કરે તો એમાં મારો આખો દિવસ નીકળી જાય છે. સિદક સિખ હોવાથી તેના વાળ વધારે છે. આ એ ધર્મ છે જેમાં ‍વાળ કાપવાની મનાઈ છે, કારણ કે વાળને ભગવાનની દેન ગણવામાં આવે છે. એ સામાન્ય રીતે તેના વાળને બનમાં લપેટીને પાઘડી વડે ઢાંકી દે છે, જે પ્રમાણે સિખ લોકો કરે છે. સિદકના પરિવાર અને અન્ય મિત્રો પણ સિખ છે, પણ કોઈના વાળ તેના વાળ જેટલા લાંબા નથી. સિદકે કહ્યું કે મારા ઘણા સંબંધીઓ એ જોઈને ચોંકી ગયા હતા, જ્યારે મેં તેમને કહ્યું કે મારા વાળે વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે ત્યારે તેમને વિશ્વાસ બેસતો નહોતો. તેમણે વિચાર્યું કે હું મજાક કરી રહ્યો છું. તેમને સમજાવવા માટે થોડો સમય અને પુરાવા આપવા પડ્યા. બાળપણનાં વર્ષો દરમ્યાન સિદક જ્યારે બહાર વાળ સૂકવતો ત્યારે તેના મિત્રો તેને ચીડવતા હતા. તે યાદ કરે છે અને કહે છે કે મારા વાળની મજાક ઉડાડવામાં આવે એ મને ગમતું નહીં. સિદકે વિચાર્યું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે વાળ કાપી નાખીશ, પણ હવે એ વાળને મારી ઓળખનો એક ભાગ માનું છું.

uttar pradesh guinness book of world records offbeat news national news