27 November, 2022 09:14 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કૉન્ગ્રેસના નેતા શશી થરૂર સોશ્યલ મીડિયા પર ઘણા ઍક્ટિવ રહે છે તથા તેમની પોસ્ટ દ્વારા ફૉલોઅર્સને સક્રિય રાખતા હોય છે. હાલમાં આખું વિશ્વ કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ના રંગે રંગાયું છે ત્યારે તેમણે પણ ફુટબૉલના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસીના ફુટબૉલને માથા પર બૅલૅન્સ કરતા એક ફોટોની સરખામણી કરતી એક ટ્વીટ પોસ્ટ કરી છે.
આ પોસ્ટમાં એક તરફ મેસી તેના માથા પર ફુટબૉલને બૅલૅન્સ કરતો જોઈ શકાય છે, જ્યારે બીજી તરફના ફોટોમાં એક મહિલા પીવાનું પાણી ભરવાના માટીના પાંચ ઘડા માથા પર મૂકીને ચાલતી જોઈ શકાય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે માથા પર પાંચ ઘડા ઉપરાંત મૌસીએ બન્ને હાથમાં બે-બે એમ બીજા ચાર ઘડા પણ પકડ્યા છે. શશી થરૂરે ફોટોની કૅપ્શનમાં ભારતીય મહિલાના નિર્ભિકપણાને સલામ કરી છે.
આ પોસ્ટ શૅર કરાઈ ત્યારથી અત્યાર સુધી એને ૧૮૦૦ લાઇક્સ મળી છે અને ૧૪૮ વાર આ પોસ્ટને રીટ્વીટ કરાઈ છે. એક ટ્વિટર-યુઝરે લખ્યું છે કે મહિલાઓ ફુટબૉલ ખેલાડી કરતાં પણ મોટી જગલર્સ છે. તેઓ રોજ એકસાથે રસોઈ, ઘર સંભાળવાનું, સાફસફાઈ, પરિવારના સભ્યોની સંભાળ તેમ જ અન્ય અનેક કામ કરતી હોય છે.