વિશ્વનું સૌથી સાંકડું શહેર આવ્યું છે ચીનમાં નદીકિનારે પાંચ લાખની વસ્તી વચ્ચે માત્ર એક મુખ્ય રસ્તો

01 July, 2024 01:25 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

આ શહેરનો સૌથી સાંકડો વિસ્તાર ૩૦ મીટરનો અને સૌથી પહોળો વિસ્તાર ૩૦૦ મીટરનો છે.

વિશ્વનું સૌથી સાંકડું શહેર

દરેક શહેરની કોઈ ને કોઈ ખાસિયત હોય છે. ચીનમાં એક એવું શહેર છે જે વિશ્વનું સૌથી સાંકડું શહેર કહેવાય છે. આ શહેરનું નામ યાન્જિન કાઉન્ટી છે જે ચીનના યુનાન પ્રાંતમાં નાન્ક્સી નદીના કિનારે આવેલું છે. એની આજુબાજુ તીવ્ર ઢાળવાળા પર્વતોની હારમાળા છે. સોશ્યલ મીડિયા પર આ અનોખા શહેરનો વિડિયો વાઇરલ થયો છે. લીલાછમ પર્વતો વચ્ચે વહેતી નદીના બન્ને કિનારે બાંધવામાં આવેલી ઇમારતો જોઈને નવાઈ લાગે કે આવું પણ કોઈ શહેર અસ્તિત્વ ધરાવે છે. જોકે આ શહેર જોવામાં ભલે સુંદર લાગતું હોય પણ અહીં રહેવું એટલું સરળ નથી. આ શહેરનો સૌથી સાંકડો વિસ્તાર ૩૦ મીટરનો અને સૌથી પહોળો વિસ્તાર ૩૦૦ મીટરનો છે. ટ્રાન્સપોર્ટેશન માટે નદીની વચ્ચે માત્ર એક મુખ્ય રસ્તો છે અને શહેરની વચ્ચે બનાવવામાં આવેલા રસ્તા નદીની લંબાઈને કારણે બહુ લાંબા છે. મુલાકાતીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરીને જ શહેરમાં આવી શકે છે.

રસપ્રદ વાત એ છે કે આ શહેરની વસ્તી પાંચ લાખથી વધુ હોવાનું કહેવાય છે. ઇમારતો નદીના કિનારે ઊભેલી હોવાથી એને થાંભલાની મદદથી બનાવવામાં આવી છે જેથી પૂર આવે તો પણ પાણી નીચે જ રહે. ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે દેખાવે ભલે ટૂરિસ્ટ-ડેસ્ટિનેશન લાગે, પણ આ શહેરમાં લોકો કાયમી વસવાટ કેમ કરતા હશે? હકીકતમાં અહીં લોકો પેઢીઓથી રહે છે અને એટલે જ પોતાના શહેરને છોડવા નથી માગતા.

china offbeat news international news beijing