21 February, 2023 12:19 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
દરિયાઈ કાકડી
શાકબજારમાં મળતી અને મોટા ભાગે સૅલડમાં ઉપયોગમાં લેવાતી કાકડીનું જેમ ડાઇનિંગ ટેબલ પર આગવું સ્થાન છે એ જ રીતે દરિયાઈ કાકડી ઘણા પ્રદેશોમાં ‘સ્વાદિષ્ટ’ ગણાય છે. નિષ્ણાતો અને સંશોધકોના મતે એ કાકડી સદીઓથી એશિયાના ઉચ્ચ વર્ગ માટે લોકપ્રિય ખાદ્ય પદાર્થ રહી છે. સાદી શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતી કાકડી બજારમાં ઓછામાં ઓછા ૫૦ રૂપિયા કિલોના ભાવે મળે છે, જ્યારે દરિયાઈ કાકડી કિલોદીઠ સહેજેય ૩૦૦૦ ડૉલર (લગભગ ૨.૪ લાખ રૂપિયા)માં મળે છે. સદીઓથી એશિયાના ઉચ્ચ વર્ગના લોકોના પ્રિય ભોજનમાં સ્થાન પામી હોવાથી એની કિંમત ઊંચી છે, જેથી લોકો એ મેળવવા જીવનું જોખમ લેતાં પણ અચકાતા નથી.
દરિયાઈ કાકડી ચામડા જેવી તથા એક જ પ્રજનનગ્રંથિ ધરાવતું સાધારણ લાંબું શરીર ધરાવતું દરિયાઈ પ્રાણી છે, જે વિશ્વભરમાં સમુદ્રના તળ પર હોલોથ્યુરિયન સાથે વિશેષ કરીને એશિયા-પૅસિફિક પ્રદેશમાં સૌથી વધુ સંખ્યામાં જોવા મળે છે.