03 April, 2023 11:29 AM IST | Washington | Harsh Desai
બ્રહ્માંડમાં સપાટ આકારના વિસ્ફોટો જોઈને વૈજ્ઞાનિકો પણ અચંબામાં
સામાન્ય રીતે વિસ્ફોટો ગોળાકાર હોય છે પરંતુ ૧૮ કરોડ પ્રકાશ વર્ષ દૂર સપાટ પ્રકારના વિસ્ફોટો જોવા મળ્યા હતા. અગાઉ માત્ર ચાર વખત જ આવું જોવા મળ્યું છે. ખગોળશાસ્ત્રીઓ દ્વારા એને ફાસ્ટ બ્લુ ઑપ્ટિકલ ટ્રાન્ઝિયન (એફબીઓટી) પ્રકારનો બ્લાસ્ટ ગણાવાયું હતું, જેને ટૂંકમાં ‘ધ કાઉ’ જેવું ઉપનામ પણ આપવામાં આવ્યું છે. આ રહસ્યમય વિસ્ફોટ એટલો બધો ગરમ છે કે એ વાદળી રંગની ચમક ધરાવે છે. બ્રહ્માંડમાં એ સૌથી વધુ દર્શનીય ઘટના બની છે. સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે એસએન ૨૦૧૮ કાઉ વિસ્ફોટ અન્ય સુપરનોવા વિસ્ફોટ કરતાં ૧૦થી ૧૦૦ ગણો વધુ તેજસ્વી હતો. વળી એ સપાટ પણ હતો, જે અગાઉ જોવા મળ્યું નહોતું. એફબીઓટી વિસ્ફોટો વધારે જાણીતા નથી. એ માત્ર વિસ્ફોટ થતા તારાઓની જેમ વર્તતા નથી, એ ખૂબ તેજસ્વી હોય છે. વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું હતું કે વિસ્ફોટો આટલા સપાટ હોઈ શકે એવું વિચાર્યું નહોતું, જે બ્રહ્માંડમાં તારાઓના કેવી રીતે વિસ્ફોટો થાય છે એની અમારી પૂર્વધારણાઓને પડકારે છે. વૈજ્ઞાનિકો દ્વારા આ વિસ્ફોટ વિશે જાણવા લિવરપૂલ ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો, જે કેનેરી ટાપુઓના લા પાલ્મા પર સ્થિત છે. એનાથી સંશોધકોને ખબર પડી છે આ વિસ્ફોટ સપાટ ડિસ્ક જેવા લાગે છે. એનું કદ આપણા પોતાના સૌરમંડળના કદ જેટલું છે.