કૅન્સરની વધુ અકસીર સારવાર થઈ શકે એ માટે વિજ્ઞાનીઓએ દરદીની ડિજિટલ રેપ્લિકા બનાવી

27 October, 2024 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક દરદીનો ડિજિટલ ટ્વિન બનાવીને અભ્યાસ કરવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

જીવલેણ કૅન્સરની વધુ અકસીર સારવાર થાય એ માટે વિજ્ઞાનીઓ જુદી-જુદી પદ્ધતિ શોધી રહ્યા છે. એમાં લંડનના ધ રૉયલ માર્સડેન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના વિજ્ઞાનીઓએ ફારસાઇટ-ટ્વિન નામની પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિમાં કૅન્સરના દરદીઓની ડિજિટલ રેપ્લિકા બનાવીને દવાનું પરીક્ષણ કરવામાં આવે છે. બાર્સેલોનામાં ૩૬મો યુરોપિયન ઑર્ગેનાઇઝેશન ફૉર રિસર્ચ ઍન્ડ ટ્રીટમેન્ટ ઑફ કૅન્સર, ધ નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ અને ધ અમેરિકન અસોસિએશન ફૉર કૅન્સર રિસર્ચ પરિષદમાં ‘ડિજિટલ ટ્વિન્સ’ ટેક્નિક દર્શાવાઈ હતી. સારવારની પ્રતિક્રિયા જાણવા અને ભવિષ્યની સ્થિતિ જાણવા માટે પણ બ્લૅક હોલની ઓળખ કરાવનારા ઍસ્ટ્રોફિઝિક્સના ઍલ્ગરિધમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક દરદીનો ડિજિટલ ટ્વિન બનાવીને અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આ રીતે મર્યાદિત જૂથ બનાવવા, પ્લેસબો ટેસ્ટિંગની જરૂરિયાત ઘટાડવા અને મૂલ્યાંકન પ્રક્રિયા વધારવામાં મદદ કરી શકે છે. ડૉ. અસગરની ટીમે સ્તન, સ્વાદુપિંડ અને અંડાશયનું કૅન્સર હોય એવા દરદીઓના ડેટાનો ઉપયોગ કર્યો હતો. બીજી વાર કરાયેલા પરીક્ષણમાં દરદીઓની ફારસાઇટ-ટ્વિન થકી સારવાર કરવામાં આવી હતી. એમાં જાણવા મળ્યું હતું કે અન્ય સારવાર લેનારા ૫૩.૫ ટકા દરદીઓ કરતાં આ પદ્ધતિથી સારવાર લેનારા ૭૫ ટકા દરદીએ ટ્યુમર સંકોચાઈ ગયું હોવાનું અનુભવ્યું હતું.

offbeat news cancer international news world news