વૈજ્ઞાનિકોએ શોધ્યાં પૃથ્વી પરનાં પહેલાં શિકારી પ્રાણીઓ

09 May, 2023 12:51 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

મગર અથવા મગર જેવાં ટૂંકાં અંગો સાથે પ્રમાણમાં સપાટ શરીર ધરાવતા ક્રેસિગિરિનસનું કદ એના સમયમાં સૌથી લાંબું લગભગ ૬.૫થી ૯.૮ ફુટ જેટલું હતું

વૈજ્ઞાનિકોએ શોધ્યાં પૃથ્વી પરનાં પહેલાં શિકારી પ્રાણીઓ

ડાયનોસૉરના ઘણા સમય પહેલાં પૃથ્વી પર આતંક મચાવનાર ૩૩ કરોડ વર્ષ જૂના મગર જેવા શિકારી પ્રાણીનો ચહેરો વૈજ્ઞાનિકોએ ડિજિટલી પુન: નિર્માણ કર્યો છે. ક્રેસિગિરિનસ સ્કૉટિક્સ (નરકના ટેડપોલ) તરીકે ઓળખાતા આ પ્રાણી એક ટેટ્રાપૉડ હતાં. સૌપ્રથમ પાણીમાંથી જમીન પર સંક્રમણ કરનાર આ પ્રાણીઓની પ્રજાતિનાં ચાર પગવાળાં પ્રાણીઓ હવે સ્કૉટલૅન્ડ અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે.    

જીવવિજ્ઞાનીઓ છેલ્લા એક દાયકાથી લુપ્ત થતી પ્રજાતિઓનો અભ્યાસ કરી રહ્યા હોવા છતાં જાયન્ટ કિલર ટેડપોલના કચડાઈ ગયેલા અવશેષોને કારણે તેઓ આ પ્રાણીના ચહેરાના દેખાવ વિશે કલ્પના કરતાં અટકી રહ્યા હતા. 

જોકે હવે ૩૩ કરોડ વર્ષ જૂના કંકાલ પરથી એટલું જાણી શક્યા છીએ કે ક્રેસિગિરિનસ પાસે શક્તિશાળી જડબાં, મોટી આંખો અને મોટા દાંત હતા, જે એને સ્વેમ્પી ભૂપ્રદેશમાં શિકાર કરવામાં સહાયક બનતાં હતાં. 

સીટી સ્કૅન અને ૩ડી વિઝ્‍‍યુઅલાઇઝેશનનો ઉપયોગ કરીને યુનિવર્સિટી કૉલેજ લંડનના સંશોધકોએ આ પ્રાણીનું નામ ટેડપોલ હોવાનું શોધી કાઢવા ઉપરાંત એ પોતાના સમયનો એક ભયંકર શિકારી હતો એ પણ જાણ્યું છે. 

મગર અથવા મગર જેવાં ટૂંકાં અંગો સાથે પ્રમાણમાં સપાટ શરીર ધરાવતા ક્રેસિગિરિનસનું કદ એના સમયમાં સૌથી લાંબું લગભગ ૬.૫થી ૯.૮ ફુટ જેટલું હતું. આધુનિક મગરની જેમ જ એ પાણીની સપાટીની નીચે છુપાઈને શિકારને પકડવા શક્તિશાળી જડબાંનો ઉપયોગ કરતું હતું.

offbeat news international news