02 November, 2024 08:07 AM IST | America | Gujarati Mid-day Online Correspondent
બે વર્ષના બાળકને કરડેલા સાપનું ઝેર ઉતારવા માટે વપરાયા બે કરોડ રૂપિયા
અમેરિકાના સૅન ડીએગોમાં રહેતો બે વર્ષનો બ્રિગલૅન્ડ નામનો છોકરો ઘરમાં મમ્મી પાસે બેસીને રમી રહ્યો હતો એ વખતે ગાર્ડનમાંથી એક રૅટલસ્નેક ઘરમાં ઘૂસી આવ્યો હતો. હજી સાપ ઘરમાં આવ્યો છે એની કોઈને જાણ થાય એ પહેલાં તો સાપ બે વર્ષના બ્રિગલૅન્ડને કરડીને જતો રહ્યો. માએ ભાગતા સાપને જોયો અને દીકરાના હાથ પર ડંખનાં નિશાન. એ જોઈને તરત જ મા દીકરાને હૉસ્પિટલ લઈ ગઈ. પચીસ મિનિટ દૂર આવેલી હૉસ્પિટલમાં જઈને ઍન્ટિ-વેનમ દવા મળી એ પહેલાં તો બાળકનો હાથ કાળો પડી ગયો હતો. સાવ બેભાન થઈ ગયેલો દીકરો બચશે નહીં એવું લાગતું હતું, પણ ડૉક્ટરોએ તેના બૉનમેરોમાં ઍન્ટિ-ડૉટ દવાનો ડોઝ નાખીને મોટી હૉસ્પિટલ મોકલ્યો. સારવાર દરમ્યાન બાળકને લગભગ ૩૦ ઍન્ટિ-વેનમ ડોઝ આપવામાં આવ્યો અને ૩૦ દિવસ સુધી ICUમાં રાખ્યા પછી બાળકનો જીવ બચ્યો, પણ આ બધાનો ખર્ચ થયો બે કરોડ રૂપિયાથીયે વધુ.