07 February, 2024 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍરોબિક્સ એક્સરસાઇઝ કોઈ પણ ઉંમરે હેલ્થ માટે શ્રેષ્ઠ છે. જોકે સાઇક્લિંગ, જૉગિંગ અને રનિંગ જેવી ઍરોબિક એક્સરસાઇઝમાંથી શું વધુ સારું એવું જો તમે વિચારતા હો તો આપણી મૂંઝવણનો જવાબ ઇટલીના રિસર્ચરોએ આપી દીધો છે. ઇટલીના નિષ્ણાતોનું કહેવું છે કે જે ઍરોબિક એક્સરસાઇઝમાં હાડકાં પર વધુ જોર આવે એનાથી હાડકાં વધુ મજબૂત થાય છે. સાઇક્લિંગમાં શરીરનું વજન હાડકાં પર નથી આવતું, પણ રનિંગમાં પગનાં હાડકાં અને સાંધા પર શરીરનું વજન વધુ આવે છે. ઇટલીના નિષ્ણાતોનું કહેવું છે કે સ્વાસ્થ્ય જાળવવા માટે શરીરને અને ખાસ કરીને હૃદયને પૂરતી કસરત મળી રહે એ જરૂરી હોય છે. જોકે જેમને નાની ઉંમરે જ હાડકાં નબળાં પડતાં હોય તેમણે કસરત તરીકે સાઇક્લિંગ કે સ્વિમિંગને બદલે રનિંગ કે જોગિંગ જેવી એક્સરસાઇઝ પસંદ કરવી જોઈએ. અભ્યાસમાં કેટલાક ટ્રેઇન્ડ રનર્સના શરીરમાં ગ્લુકેગોન, લેપ્ટિન અને ઇન્સ્યુલિન જેવાં હૉર્મોન્સ અને ઑસ્ટિઓકૅલ્સિન અને પ્રોટીન અસોસિએટેડ વિથ બોન ફૉર્મેશનનું લેવલ પણ તપાસ્યું હતું. આ તપાસ લાંબી અલ્ટ્રામૅરથૉન દોડ પહેલાં અને પછી બન્ને સમયે કરવામાં આવી હતી. દોડ પહેલાં અને પછી રનર્સના લોહીમાં રહેલાં હૉર્મોન્સ અને હાડકાંની ઘનતા સાથે સંકળાયેલા ઘટકોનું પ્રમાણ નોંધીને રિર્સચરોએ તારવ્યું હતું કે એનર્જીની જરૂરિયાત વધતાં વધુ ઇન્સ્યુલિન અને લેપ્ટિન હૉર્મોન ઝરવા લાગ્યાં હતાં. એટલું જ નહીં, હાડકાંનું ફૉર્મેશન થવા સાથે સંકળાયેલા પ્રોટીનનું પ્રમાણ પણ વધ્યું હતું.