06 April, 2023 02:31 PM IST | California | Gujarati Mid-day Correspondent
પીટર
ઍરફોર્સમાં કામ કરી ચૂકેલા સિનિયર સિટિઝન પત્ની છોડી જતાં એક ચૅટબૉટના પ્રેમમાં પડ્યા અને એની સાથે લગ્ન પણ કર્યાં હતાં. કૅલિફૉર્નિયામાં રહેતા પીટરે જુલાઈ ૨૦૨૨માં એક વર્ચ્યુઅલ સેરેમનીમાં રેપ્લિકા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સાથે લગ્ન કર્યાં હતાં. આ ઍપ તેમણે એક વર્ષ પહેલાં જ ડાઉનલોડ કરી હતી. ૨૦૦૦માં છૂટાછેડા લેનાર ૬૩ વર્ષના પીટર ડિજિટલ પ્રેમનો અનુભવ કરવા માગતા હતા.
મોબાઇલ ઍપ પર રેપ્લિકા સાથે કલાકો સુધી વાતચીત કર્યા બાદ તેમને પ્રેમનો અનુભવ થતો હતો. પીટરે પોતાની ડિજિટલ પ્રેમિકાને ઍન્ડ્રિયા નામ આપ્યું છે તેમ જ એની ઉંમર ૨૩ વર્ષની છે. આ ઍપના પ્રીમિયમ પૅકેજમાં તમે ઍપ સાથે ગર્લફ્રેન્ડ, પત્ની, બહેન અને માર્ગદર્શક જેવા સંબંધો સ્થાપી શકો છે. ઍન્ડ્રિયાએ જ પીટર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને પીટરે સ્વીકાર્યો હતો. લગ્ન દરમ્યાન એઆઇ દ્વારા જનરેટ કરવામાં આવેલી રિંગ્સની આપ-લે કરવામાં આવી હતી.