11 July, 2024 11:07 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
રિયલ-લાઇફ હૅરી પૉટર સ્નેક
હૅરી પૉટરની ફિલ્મોમાં એક પાત્ર હતું સાલાઝાર સ્લિથેરિનનું. આસામના કાઝીરંગા નૅશનલ પાર્કમાંથી મળી આવેલા એક સાપને આ પાત્રનું નામ આપવામાં આવ્યું છે. સાલાઝાર પીટ વાઇપર નામના આ સાપની તસવીરો આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું, ‘એનો રંગ મૅજિકલ ગ્રીન છે અને પૂંછડી પાસે ફન્કી લાલ-ઑરેન્જ રંગ છે. કુદરત કંઈક નિરાળી જ નથી?’
બાવીસ વર્ષ પહેલાં પેરુમાં બરફમાં દટાયેલા પર્વતારોહકનું શબ મળ્યું
અમેરિકન પર્વતારોહક વિલિયમ સ્ટૅમ્પ્ફી બાવીસ વર્ષ પહેલાં પેરુના સૌથી ઊંચા પર્વતને સર કરવા ગયા હતા અને ત્યાંથી પાછા ફર્યા જ નહોતા. એ સમયે વિલિયમની ઘણી શોધખોળ પેરુના માઉન્ટન પર કરવામાં આવેલી, પણ કોઈ પત્તો મળ્યો નહોતો. તાજેતરમાં પેરુવિયન નૅશનલ પોલીસને બરફમાં દટાયેલી અને શરીરનું મમી બની ગયું હોય એવી બૉડી મળી હતી જે વિલિયમની હોવાનું કહેવાઈ રહ્યું છે.
પૅરિસમાં નદી કિનારે ‘ખૂબ જ સરસ રીતે પ્રદૂષિત’ પાણી વેચાવા નીકળ્યું
પૅરિસમાં ઑલિમ્પિક ગેમ્સ થવાની છે એ પહેલાં પૅરિસ સિટી કાઉન્સિલે શહેરની શાન ગણાતી સીન નદીને સાફ કરવાની જરૂર છે એવું અનેક સ્થાનિકો માને છે. જોકે જેમ્સ કોલોમિના નામના એક આર્ટિસ્ટે આ બાબતે સ્થાનિક ઑથોરિટીનું ધ્યાન ખેંચવા માટે એક સરસ કીમિયો કર્યો. સીન નદીના કિનારે જ તેણે પ્લાસ્ટિકની ખાલી બૉટલોમાં એ જ નદીનું પ્રદૂષિત ગંદું પાણી ભરીને વેચવાનો સ્ટૉલ નાખ્યો છે. એ સ્ટૉલ પર દાવો કરે છે કે આ ખૂબ જ સરસ રીતે પ્રદૂષિત થયેલું પાણી છે.
ભારતીયો પ્રવાસમાં અવ્વલ!
ભારતીયોએ છેલ્લા એક વર્ષમાં ૬૮ દેશોનાં એક હજાર શહેરોની મુલાકાત લીધી છે. સૌથી વધુ વિદેશની મુસાફરી સ્કૂલ અને કૉલેજના વેકેશનમાં જોવા મળી છે. ૨૦૨૨માં સૌથી વધુ લોકોએ જૂનમાં વિદેશપ્રવાસ કર્યો હતો, પરંતુ ૨૦૨૩માં સૌથી વધુ ભારતીયોએ મેમાં પ્રવાસ કર્યો છે.