06 December, 2023 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૦૦૦ નોટ
ભારત સરકારે અગાઉ ૨૦૧૬માં નોટબંધી કરીને ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો રદ કરી હતી. ત્યાર બાદ રિઝર્વ બૅન્કે ૨૦૧૬માં ૨૦૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. હજી થોડા સમય પૂર્વે જ રિઝર્વ બૅન્કે ૨૦૦૦ રૂપિયાની નવી નોટને પણ સિસ્ટમમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી.જોકે તાજેતરમાં કેન્દ્રીય નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ ૨૦૦૦ રૂપિયાની નોટ વિશે એક માહિતી આપતાં કહ્યું કે રિઝર્વ બૅન્કને ૨૦૧૬થી લઈને અત્યાર સુધી ૨૦૦૦ રૂપિયાની નોટ પ્રિન્ટ કરવા માટે ૧૭,૬૮૮ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સરકારે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને ડિમૉનિટાઇઝ કર્યા બાદ રિઝર્વ બૅન્કે નવેમ્બર ૨૦૧૬માં ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટો બહાર પાડી હતી. પંકજ ચૌધરીએ લોકસભામાં માહિતી આપી હતી કે માર્ચ ૨૦૧૭ પૂર્વે ૨૦૦૦ રૂપિયાની આશરે ૮૯ ટકા નોટો ઇશ્યુ કરવામાં આવી હતી. ૨૦૦૦ રૂપિયાની કરન્સી નોટોને એટીએમ સાથે રીકૅલિબ્રેટ કરવા માટે પબ્લિક સેક્ટરની બૅન્કોએ આશરે ૩૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ અંદાજે ૧૨.૮ કરોડ રૂપિયા એટીએમ રીકૅલિબ્રેટ કરવા માટે ખર્ચ કર્યા હતા.