12 December, 2024 03:00 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
રાજસ્થાનના બ્યાવર જિલ્લાના બદનૌર નામના ગામમાં એક માતા-પિતાએ જીવતી દીકરી માટે સોશ્યલ મીડિયા પર મૂકેલો શોકસંદેશ વાઇરલ થયો છે. દીકરીએ માબાપને કીધા વગર લવ-મૅરેજ કરી લીધાં એને પગલે આ પેરન્ટ્સને ભારે આઘાત લાગ્યો છે, જેને પગલે તેમણે શોકસંદેશમાં જાહેર કર્યું હતું કે અમારી દીકરી અમારા માટે હવે મરી ચૂકી છે અને તેનું ઉઠમણું ૧૧ ડિસેમ્બરે રાખ્યું છે.
છોકરીના પિતા ટ્રક-ડ્રાઇવર છે અને તેમણે ઘણી તકલીફો વેઠીને, દીકરીને ગરીબીનો અહેસાસ કરાવ્યા વગર ભણાવી-ગણાવી હતી. BA કર્યા પછી છોકરી BEd કરી રહી હતી અને માબાપની ઇચ્છા હતી કે તે ટીચર બને. જોકે એ પહેલાં જ દીકરીએ માબાપને કીધા વગર પ્રેમવિવાહ કરી લીધા. માબાપને આઘાત એ વાતનો લાગ્યો કે તેમણે જ્યારે દીકરીને પાછી લાવવા પોલીસની મદદથી કોશિશ કરી તો દીકરીએ પોલીસની સામે તેમને ઓળખવાનો જ ઇનકાર કરી દીધો. દીકરીએ આપેલો આ જાકારો જીરવવો માબાપ માટે મુશ્કેલ થઈ ગયો અને એને પગલે તેમણે જીવતેજીવ તેનો શોકસંદેશ બહાર પાડી દીધો.