02 August, 2024 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
જૂતાં ચમકદાર હોવાં જોઈએ, પરંતુ ઉત્તર પ્રદેશમાં તો જૂતાંનું નસીબ ચમકી ગયું છે. વાત એવી છે કે કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી ૨૬ જુલાઈએ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાની મુલાકાતે ગયેલા ત્યારે રામ ચેત નામના મોચીની દુકાને પહોંચી ગયા હતા. ભાંગલીતૂટલી દુકાનના પાટિયે બેસીને રાહુલે રામ ચેત સાથે વાતો કરી, ચા પીધી. ત્યાં સુધી તો બધું ઠીક હતું, પણ આ બધું કરતાં-કરતાં રાહુલે જૂતાં પણ સીવ્યાં. બસ, રામ ચેત રાતોરાત ચમકી ગયા અને હવે તેની પાસે રાહુલે બનાવેલાં જૂતાં ચમકી રહ્યાં છે. કારણ કે રાહુલ ગાંધીએ બનાવેલાં જૂતાં ખરીદવા માટે લોકો બોલી લગાવવા માંડ્યા છે. એક-બે જણે તો લાખ-બે લાખ રૂપિયા આપવાની ઑફર પણ કરી, પરંતુ રામ ચેત કહે છે કે એક લાખ તો શું કોઈ એક કરોડ રૂપિયા આપે તોય નહીં વેચું, ફ્રેમ કરાવીને દુકાનમાં ટિંગાડીશ. બોલો, જૂતાંનાંય નસીબ હોય છેને!