ગટરમાં પડેલા ગલૂડિયાનું આઠ કલાક બાદ રેસ્ક્યુ

21 November, 2023 07:30 AM IST  |  Texas | Gujarati Mid-day Correspondent

ત્રીજા બચ્ચાને શોધવા માટે ફાયર ડિપાર્ટમેન્ટે ઘણી જહેમત ઉઠાવવી પડી હતી

આ બચ્ચાનું નામ પીપા છે

ખુલ્લી ગટરમાં માણસ કે અન્ય પ્રાણીઓ પડી જવાની ઘટના મુંબઈ શહેરમાં અવારનવાર બનતી જ હોય છે. આવી જ એક ઘટના અમેરિકાના સૅન ઍન્ટોનિયોમાં બની હતી. એમાં ઘર પાસે રમતાં ડૉગીનાં ત્રણ બચ્ચાં (ગલૂડિયાં) ઢાંકણ વિનાની ખુલ્લી ગટરમાં પડી ગયાં હતાં. શહેરના ફાયર ડિપાર્ટમેન્ટે ત્રણમાંનાં બે બચ્ચાંને તરત બહાર કાઢ્યાં હતાં, પણ ત્રીજું બચ્ચું ગટરલાઇનમાં ધીમે-ધીમે આગળ વધી ગયું હતું.

ત્રીજા બચ્ચાને શોધવા માટે ફાયર ડિપાર્ટમેન્ટે ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. તેમણે શહેરની સુધરાઈની મદદ લેવી પડી હતી અને નાના કૅમેરાને ગટરની પાઇપલાઇનમાં ઉતારવા પડ્યા હતા તથા ડૉગીને વધુ ૨૦૦ ફુટ આગળ વધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેથી ચાર રસ્તા નજીક બીજી એક ગટરના હોલમાંથી એને બહાર કાઢી શકાય. આ તમામ કામગીરી કરતાં ફાયરબ્રિગેડને આઠ કલાક લાગ્યા હતા. જોકે આખરે એને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. આ બચ્ચાનું નામ પીપા છે. 

texas offbeat news international news world news