28 December, 2022 12:41 PM IST | London | Gujarati Mid-day Correspondent
ડાયનાની સહી ધરાવતા પત્રો ૧૮ લાખમાં વેચાવા મુકાયા
પ્રિન્સેસ ડાયના અને તેના પુત્રોની સહી ધરાવતા કેન્સિંગટન પૅલેસના સત્તાવાર પેપર પર લખાયેલા પત્રો લિલામીમાં ૧૮ લાખ રૂપિયામાં વેચાવા મુકાયા. હરાજી કરનારાઓ દ્વારા કૅમ્બ્રિજશરના પીટરબરોમાં વિલિયમ જ્યૉર્જ ખાતે ૧૦ જાન્યુઆરીએ પત્રો વેચવામાં આવશે.
સ્વર્ગસ્થ પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયનાએ વિલિયમના સાતમા જન્મદિવસની પાર્ટીમાં મોટરબાઇક બૉય્સ સાથે હાજર રહેવા બદલ પોલીસ સાર્જન્ટનો આભાર માનતો પત્ર લખ્યો હતો. આ પત્રમાં પ્રિન્સેસ ડાયના અને તેની સાથે જ પ્રિન્સ હેરી અને પ્રિન્સ વિલિયમની સહી છે. ૧૯૮૯ની ૨૧ જૂને કેન્સિંગટન પૅલેસના સત્તાવાર પેપર પર લખાયેલા આ પત્રમાં પ્રિન્સ વિલિયમે જૉઇન્ટ કર્સ્યુ રાઇટિંગમાં અને હેરીએ તેનાથી જુદા પડતા અલગ-અલગ અક્ષરમાં સહી કરી છે. લિલામીકર્તાઓના મતે આ લેટર વિશેષ છે.
મેટ્રોપૉલિટન પોલીસના સાર્જન્ટ જ્યૉર્જ પ્લમ્બ અને તેમના સ્પેશ્યલ એસ્કોર્ટ ગ્રુપે પ્રિન્સ વિલિયમ અને તેના મિત્રો માટે ચકાચૌંધ કરનારું પ્રદર્શન કર્યું હતું. લેફ્ટનન્ટ સાર્જન્ટ પ્લમ્બની પ્રૉપર્ટી ૬ વર્ષ પહેલાં એક ખરીદદારે ખરીદ્યા બાદ તેને આ પત્ર મળ્યો હતો.