21 August, 2024 02:57 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઇન્ડિગો ઍરલાઇન્સ શું ક્યુટ હોવાનો ચાર્જ વસૂલ કરે છે?
ઇન્ડિગો ઍરલાઇન્સનું હવાઈ ભાડું આજકાલ હવામાં છે એટલે કે સોશ્યલ મીડિયામાં વાઇરલ છે. એક સોશ્યલ મીડિયા યુઝરે સ્ક્રીન-શૉટ શૅર કર્યો છે જેમાં વિમાનની મુસાફરીનાં ભાડાંની તમામ વિગતો આપી છે અને જુદા-જુદા નામે ભાડું વસૂલવાનાં કારણો પણ પૂછ્યાં છે. કુલ ૧૦,૦૨૩ રૂપિયાની ટિકિટ છે. એમાં ક્યુટ ચાર્જ પેટે ૫૦ રૂપિયાનો ઉલ્લેખ કર્યો છે. આ ક્યુટ ચાર્જ શેનો એ મુદ્દે સોશ્યલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. યુઝરે પૂછ્યું કે શું ક્યુટ હોવાનો ચાર્જ વસૂલાય છે કે વિમાન ક્યુટ છે એનો ચાર્જ વસૂલાય છે. એની સામે ઇન્ડિગોએ સ્પષ્ટતા કરવી પડી કે ક્યુટ એટલે ‘કૉમન યુઝર ટર્મિનલ ઇક્વિપમેન્ટ.’ એમાં ઍરપોર્ટમાં પ્રવેશતી વખતે મેટલ ડિટેક્ટિંગ મશીન, એસ્કેલેટર અને ઍરપોર્ટ પરની અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવા માટે આ ચાર્જ વસૂલવામાં આવે છે. બીજો પ્રશ્ન એ કર્યો કે યુઝર ડેવલપમેન્ટ ફી એટલે શું, હું પ્લેનમાં ફરું એમાં તમે મારો વિકાસ કેવી રીતે કરશો? આવા સવાલ ભલે ટાઇમપાસ લાગતા હોય, પણ વિચારતા તો કરી જ મૂકે.