24 December, 2023 12:00 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ટેલર સ્વિફ્ટ, કુલદીપ યાદવ
અમેરિકાની સુપરસ્ટાર સિંગર ટેલર સ્વિફ્ટની ઐતિહાસિક એરાઝ ટૂરની તસવીરે સોશ્યલ મીડિયા પર વાવાઝોડું લાવી દીધું છે. તસવીરમાં સ્વિફ્ટના ડાબા હાથના કાંડાથી સ્પિન બોલિંગ કરવાનો પોઝ ઇન્ટરનેટ પર મીમ્સ ક્રીએટરો માટે સોનાની ખાણ બની ગયો છે, જેમાં તેની સરખામણી વિવિધ ક્રિકેટરોથી થઈ રહી છે. તસવીરમાં સ્વિફ્ટ એક ચમકતા બૉડીશૂટમાં છે અને તેના હાથ પાછળની બાજુએ વળેલા છે જે એક રીતે જોતાં કોઈ સ્પિન બોલર બૉલ નાખવાનો હોય એવું લાગી રહ્યું છે. આ અસામાન્ય સમાનતાથી મીમ્સનું એક મોજું ફરી વળ્યું છે અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ક્રીએટિવ એડિટ પોઝનું ઘોડાપૂર આવી ગયું છે, જેમાં જાણીતા ક્રિકેટર જોવા મળ્યા છે, જેમ કે શેન વૉર્ન, કુલદીપ યાદવ અને બ્રૅડ હૉગ. આ મીમ્સે સંગીતચાહકો અને ક્રિકેટરસિકોની કલ્પનાને એકસરખી રીતે વાચા આપી છે. આ પૉપ મ્યુઝિક અને ક્રિકેટનું અણધાર્યું ફ્યુઝન એક અનોખી ફૉર્મ્યુલા સાબિત થયાં છે, જેમાં રમૂજી મીમ્સ સાથે ઇન્ટરનેટ પર આનંદ ફેલાવ્યો છે. જણાવી દઈએ કે ટેલર સ્વિફ્ટની એરાઝ ટૂર ફિલ્મે દુનિયાભરમાં ૨૪૯.૯ મિલ્યન ડૉલર એટલે કે ૨૦૮૨.૫૪ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જે એને સૌધી વધુ કમાણી કરનારી કૉન્સર્ટ ફિલ્મ બનાવી દે છે. ત્યારે હાલ પૉપસ્ટાર ટેલર સ્વિફ્ટની બોલિંગ કરતી તસવીરે ક્રિકેટના પ્રશંસકો અને સોશ્યલ મીડિયા યુઝરને પણ ખુશ કરી દીધા છે.