03 November, 2023 12:25 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
યુકેમાં ગુજરાતી સમાજ દ્વારા નવરાત્રિ
યુકેમાં ગુજરાતી સમાજ દ્વારા નવરાત્રિની ઉજવણી થઈ રહી હતી અને ગરબા રમાઈ રહ્યા હોવાથી થતા અવાજને કારણે પાડોશીએ ફોન કરીને પોલીસને બોલાવી હતી. જોકે આ ઉજવણી રોકવાને બદલે તેઓ પણ આ ઉમદા આનંદમાં ગરકાવ થઈ ગયા હતા. આ આશ્ચર્યજનક વળાંકની ઘટનાનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાઇરલ થયો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓ ન માત્ર આ ઉજવણી જોઈ રહ્યા છે, પણ ખુશી-ખુશી નવરાત્રિની ઉજવણીમાં ભાગ પણ લઈ રહ્યા છે. પોલીસો હિન્દુ પરંપરાથી આરતી ઉતારતા અને દાંડિયારાસ રમતા પણ દેખાય છે. અધિકારીઓના હાથમાં પરંપરાગત દાંડિયા પણ જોવા મળ્યા હતા. આ દૃશ્યો સાબિતી આપી રહ્યાં છે કે ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું મહત્ત્વ હવે વિદેશીઓ પણ સમજી રહ્યા છે, જેથી ભારતના તહેવારોનો ઇતિહાસ જાણીને ઉજવણીમાં પણ ભાગ લઈ રહ્યા છે. એનું તાજું ઉદાહરણ હાલમાં સામે આવ્યું હતું, જ્યારે ભારતમાં અન્ય દેશોના રાજદૂતોએ દુર્ગાપૂજાના પંડાલમાં ધૂની નૃત્ય કર્યું અને દિવાળીની ખરીદી કરીને હર્ષ વ્યક્ત કર્યો હતો.