03 April, 2023 11:40 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
છોડ પણ તરસ્યો હોય ત્યારે બૂમો પાડે છે
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે છોડ જ્યારે તનાવમાં હોય છે ત્યારે મદદ માટે બૂમો પાડે છે. વળી એમની આ મદદ માટેની ચીસો સાંભળવી શક્ય છે. ઇઝરાયલમાં આવેલી તેલ અવિવ યુનિવર્સિટીમાં કરેલા અભ્યાસનાં તારણો મુજબ ગ્રીન હાઉસની અંદર ટમેટા અને તમાકુના છોડને પાણી વગર રાખવામાં આવ્યા તેમ જ થોડીક કાપણી કરવામાં આવે ત્યારે એમના રૂદનને સાંભળી શકાય. યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું હતું કે ‘અમને જાણવા મળ્યું કે છોડ તનાવમાં હોય ત્યારે ચોક્કસ અવાજો કાઢે છે. દરેક છોડ અને દરેક પ્રકારના તનાવ અલગ-અલગ અને ઓળખી શકાય એવા હોય છે. માણસો આ અવાજ સાંભળી શકતા નથી પરંતુ ચામાચીડિયાં, ઉંદર અને જંતુઓ દ્વારા સાંભળી શકાય છે.’
મનુષ્ય ૧૬ કિલોહર્ટ્ઝ સુધી જ અવાજ સાંભળી શકે છે. છોડથી ૧૦ સેન્ટિમીટર દૂર અલ્ટ્રાસોનિક માઇક્રોફોન્સ ૨૦થી ૨૫ કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સીનો અવાજ સાંભળી શકે છે. આર્ટિફિશ્યલ ટેક્નૉલૉજીનો (એઆઇ)નો ઉપયોગ કરીને રેકૉર્ડિંગનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ગણિતશાસ્ત્રી લિલચ હેડનીએ કહ્યું હતું કે આપણી આસપાસની દુનિયા છોડના અવાજોથી ભરેલી છે. પાણીની અછતનો અવાજ અલગ છે તેમ જ ઈજાનો અલગ છે. આ અવાજની મદદથી ખેડૂતોને પણ લાભ થઈ શકે છે. તેઓ જાણી શકે છે કે ક્યારે છોડને પાણી આપવાની જરૂર છે.’