એકસાથે ૨૦૦ પર્વતારોહકોની લાઇન લાગતાં માઉન્ટ એવરેસ્ટ પર પણ ટ્રાફિક જૅમ થઈ ગયો

27 May, 2024 11:03 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ વર્ષે એવરેસ્ટ પર રેકૉર્ડબ્રેક ૪૧૯ પર્વતારોહકોને શિખર સર કરવાની પરમિટ આપવામાં આવી છે

વાયરલ તસવીર

ચારધામ અને કેદારનાથ ધામ પહોંચવાનું ચડાણ કઠિન હોવા છતાં હજારો લોકોની ભીડની તસવીરો તો હવે સામાન્ય થઈ ગઈ છે, પણ હવે તો માઉન્ટ એવરેસ્ટ પણ ટ્રાફિક જૅમમાંથી બાકાત નથી. સોશ્યલ મીડિયા પર માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકોની લાંબી લાઇન લાગી હોય એવી તસવીરો જોવા મળી રહી છે.  

આ વર્ષે એવરેસ્ટ પર રેકૉર્ડબ્રેક ૪૧૯ પર્વતારોહકોને શિખર સર કરવાની પરમિટ આપવામાં આવી છે. એમાંથી ૨૯ ભારતીયો છે. જૂન મહિનાના પહેલા વીકમાં આ વર્ષનું એવરેસ્ટ ચડાણ બંધ થઈ જશે. તાજેતરમાં દુનિયાના સૌથી ઊંચા શિખર પર ટ્રાફિક જૅમ લાગી ગયો છે, કેમ કે એકસાથે ૨૦૦ પર્વતારોહકો ૮૭૯૦ મીટર ઊંચા સાઉથ સમિટના હિલેરી સ્ટેપ પર પહોંચી ગયા હતા. અહીંથી માઉન્ટ એવરેસ્ટની ટોચ ૨૦૦ ફીટની દૂરી પર છે. ભીડ જમા થવાથી અહીં બરફનો એક હિસ્સો તૂટી જતાં ૬ પર્વતારોહકો ફસાઈ ગયા છે. જોકે ચાર જણને રસ્સીના સહારે પાછા ઉપર લેવામાં સફળતા મળી હતી. એક નેપાલી અને એક બ્રિટિશ પર્વતારોહક હજારો ફીટ નીચે પડી ગયા હતા. આ ઘટના આમ તો ૨૧ મેની છે, પણ હજી પડી ગયેલા બે પર્વતારોહકોની ભાળ મળી નથી એટલે તેમના બચવાની આશા નથી રહી.

સામાન્ય રીતે શિખરનો આ ભાગ ડેથ ઝોન ગણાય છે અને અહીંથી શિખર પર ચડવા માટે માત્ર દસ જ મિનિટનો સમય આપવામાં આવે છે. તેમની પાસે ઑક્સિજનનો મર્યાદિત જથ્થો હોવાથી તેમણે ટૂંકા સમયમાં ચડીને પાછા ઊતરવાનું રહે છે. 

mount everest offbeat news social media