07 September, 2022 10:42 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
માઉન્ટ રેઇનિયર નૅશનલ પાર્કમાં આવેલી બરફની ગુફા
અમેરિકાના વૉશિંગ્ટન સ્ટેટમાં આવેલા માઉન્ટ રેઇનિયર નૅશનલ પાર્કમાં આવેલી બરફની ગુફાઓમાં સર્જાતા મેઘધનુષના શાનદાર ફોટો વાઇરલ થયા હતા. ત્યાર બાદ આ ગુફાઓની મુલાકાત લેવા માગતા પ્રવાસીઓને નૅશનલ પાર્ક દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે બરફ તેમ જ ખડક પડવાની ઘટનાને કારણે આવું સાહસ કરનારાઓને ગંભીર ઈજા પહોંચી શકે છે. બરફની ગુફામાં સર્જાતા આ મેઘધનુષનો ફોટો મૅથ્યુ નિકોલસ નામના ફોટોગ્રાફરે લીધો છે. ગુફાઓથી પરિચિત ભૂસ્તરશાસ્ત્રીએ કહ્યું કે રંગોની વિવિધતા બહુવિધ પ્રકાશની અસરોને કારણે છે. ફોટોના લાલ રંગને તરબૂચના બરફ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લાલ રંગની શેવાળને કારણે છે. વળી ભૂરો, લીલો અને જાંબલી બરફના સ્ફટિકમાંથી બને છે. આ દૃશ્ય એટલું સુંદર છે છતાં એનપીએસના અધિકારીઓ પ્રવાસીઓને આ બરફની ગુફાઓમાં જવાની ના પાડે છે. માઉન્ટ રેઇનિયર નૅશનલ પાર્ક આવી બરફની ગુફાઓ માટે જાણીતો છે. ૧૯૮૦માં બરફ તથા ખડક પડવાની ઘટનાને કારણે આ બરફની ગુફાને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી હતી. ૨૦૧૦માં નજીકના માઉન્ટ બેકરમાં બરફની ગુફામાં ખડકો પડી જવાથી ૧૧ વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું.