30 May, 2024 04:10 PM IST | Dublin | Gujarati Mid-day Correspondent
ગૅન્ગસ્ટર સ્ટીફન ઓ રીલીની અંતિમ યાત્રા
જ્યારે કોઈ મહાન વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેને બહુ સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર એક વ્યક્તિના અંતિમ સંસ્કારનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની શબપેટી અને ફૂલોની સુંદર સજાવટ દેખાય છે. જોકે આશ્ચર્યજનક બાબત એ છે કે આ કોઈ બિઝનેસમૅન કે નેતાની નહીં, પણ એક ગૅન્ગસ્ટરની અંતિમ વિધિનું દૃશ્ય હતું. ૨૦ મેએ આયરલૅન્ડના વેસ્ટમેથમાં રહેતા ગૅન્ગસ્ટર સ્ટીફન ઓ રીલીનું એક ભયાનક રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. ગયા વીક-એન્ડમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક બાળકનો પિતા સ્ટીફન ઘણા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો.
એક ગુનેગાર પાછળ આટલો તામઝામ અને ખાસ તો ગોલ્ડન કૉફિન જોઈને લોકોને ખૂબ નવાઈ લાગી રહી છે. આ ગૅન્ગસ્ટરની પ્રાર્થનાસભામાં તેનો ટૅટૂવાળો શર્ટલેસ ફોટો મૂકવામાં આવ્યો હતો જેના પર લખ્યું હતું કે રિયલ પાબ્લો, ધ વન ઍન્ડ ઓન્લી ગૅન્ગસ્ટર રીલી. રીલીને ચાહનારા તેની સરખામણી પાબ્લો એસ્કોબાર સાથે કરતા હતા અને તેને અસલી પાબ્લો કહેતા હતા. આ ઉપરાંત ચર્ચની બહાર લાગેલા એક બોર્ડ પર ડ્રગ્સનો ફોટો મૂકવામાં આવ્યો હતો જેની નીચે લખેલું હતું કે નો કમેન્ટ્સ.