05 January, 2023 11:59 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ત્રણ પત્ની ધરાવતા પાકિસ્તાનીએ ૬૦મા બાળકને આવકાર્યું
પાકિસ્તાનના ૫૦ વર્ષના ડૉક્ટર સદર જાન મોહમ્મદ ખાન ખીલજીએ તાજેતરમાં પોતાના ૬૦મા બાળકને આવકાર્યા બાદ જણાવ્યું હતું કે તેઓ વધુ બાળકો ઇચ્છે છે અને એ માટે તેઓ વધુ એક લગ્ન કરવા માગે છે. આ માટે તેમણે પોતાના મિત્રોને પણ પોતાને માટે પત્ની શોધવાની જવાબદારી સોંપી છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાન રાજ્યમાં ક્વેટા શહેરમાં ઈસ્ટર્ન બાયપાસ નજીક રહેતા ૫૦ વર્ષના ડૉક્ટર સદર ખાન તેમની ત્રણ પત્નીઓ અને વિશાળ પરિવાર માટે જાણીતા છે. હાલમાં તેમના ૬૦મા પુત્રનો જન્મ થયો છે. જોકે તેઓ હજી વધુ બાળકો ઇચ્છતા હોવાથી વધુ એક લગ્ન કરવા માટે યુવતી શોધી રહ્યા છે. જોકે વધુ બાળકોની ઝંખના રાખનાર સદર ખાન દીકરાઓ નહીં, દીકરીઓ ઇચ્છે છે. આટલા મોટા પરિવારને એક છત નીચે સંભાળનાર સદર ખાન જણાવે છે કે દેશમાં વધી રહેલા ફુગાવાની અસર તેમના પર પણ થઈ રહી છે. મોંઘવારી તેમને પણ નડી રહી છે. પ્રવાસના શોખીન તેઓ પોતાના પરિવારને દેશમાં જોવાલાયક સ્થળોએ લઈ જવાની ઇચ્છા ધરાવે છે, પણ બધાને સાથે લઈ જવાનું શક્ય ન હોવાથી તેઓ સરકાર તરફથી તેમને બસ મળે એવી ઇચ્છા રાખી રહ્યા છે.