04 December, 2022 09:57 AM IST | North Korea | Gujarati Mid-day Correspondent
બાળકોનાં નામ ‘બૉમ્બ’, ‘ગન’ અને ‘સૅટેલાઇટ’ રાખવાનો આદેશ
નૉર્થ કોરિયાએ માતા-પિતાને તેમનાં બાળકોને ‘બૉમ્બ’, ‘ગન’ અને ‘સૅટેલાઇટ’ જેવાં દેશભક્તિનાં નામ આપવાનો આદેશ આપ્યો છે. પ્યોંગયાંગ સરકાર જેને નરમ માનતી હોય એવાં નામ પર કડક કાર્યવાહી કરતી હોવાથી આ સૂચન કરવામાં આવ્યું છે. અગાઉ કમ્યુનિસ્ટ સરકાર એના નાગરિકોને સાઉથ કોરિયામાં વપરાય છે એવા રી (પ્રિય) કે સુ મી (સૌથી સુંદર) જેવાં વધુ લાગણીશીલ નામનો ઉપયોગ કરવાની છૂટ આપતી
હતી, પરંતુ હવે સરકારે લોકોને
આદેશ આપ્યો છે કે આવાં લાગણીશીલ નામ ધરાવતા લોકોએ તેમનાં નામ બદલીને વધુ દેશભક્તિના કે પછી વૈચારિક ઉપદેશકોનાં નામ રાખવાં જોઈએ.
કિમ જોંગ-ઉન ઇચ્છે છે કે પેરન્ટ્સ તેમનાં બાળકોને એવાં નામ આપે જેના અંતમાં વ્યંજન આવતાં હોય. જેઓ આ આદેશનું પાલન ન કરે તેને દંડ ફટકારવાની ધમકી પણ અપાઈ છે.
એક અનામી રહેવાસીએ જણાવ્યું કે અધિકારીઓ લોકોને તેમનાં નામ રાજ્ય સરકાર દ્વારા નિર્દિષ્ટ ધોરણો મુજબ બદલવાની ફરજ પાડી રહ્યા છે. ગયા મહિનાથી નેબરહૂડ-વૉચ યુનિટના રહેવાસીઓની મીટિંગમાં અંતિમ વ્યંજન વિનાનાં તમામ નામોમાં સુધારો કરવા માટે સતત નોટિસ જારી કરવામાં આવી રહી છે.
જેમના નામના અંતમાં વ્યંજન નથી તેમને પોતાના નામમાં રાજકીય અર્થ ઉમેરવા માટે વર્ષાંત સુધીનો સમય આપવામાં આવ્યો છે.