એક શરીર અને બે માથાં ધરાવતી કૉન્જૉઇન્ડ ટ‍્વિન્સમાંથી એકે આર્મીમૅન સાથે લગ્ન કર્યાં

30 March, 2024 03:02 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તેમના બ્લડસ્ટ્રીમ અને કમરની નીચેના તમામ અવયવો એક જ છે

કૉન્જૉઇન્ડ ટ‍્વિન્સ

ઍબી અને બ્રિટની હેન્સેલ કૉન્જૉઇન્ડ ટ‍્વિન્સ એટલે કે શરીરથી જોડાયેલી જોડિયા છોકરીઓ છે જેઓ ૧૯૯૬માં ‘ધ ઑપ્રા વિન્ફ્રે શો’માં આવ્યા બાદ જાણીતી થઈ હતી. ઍબી અને બ્રિટનીમાંથી ઍબી પરણેલી છે જેણે ૨૦૨૧માં પીઢ યુએસ આર્મીમૅન જોશ બોલિંગ સાથે લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્નના વિડિયો સોશ્યલ મીડિયા પર હવે ચર્ચામાં આવ્યા છે. એક ક્લિપમાં વેડિંગ ડ્રેસ પહેરેલી ટ‍્વિન્સ જોશ બોલિંગ સાથે ડાન્સ કરી રહી છે. તો અન્ય એક ક્લિપમાં તેઓ સાથે આઇસક્રીમ ખાઈ રહ્યાં છે અને ટ્રાવેલિંગ કરી રહ્યાં છે. ઍબી અને બ્રિટની હેન્સેલ મિનેસોટામાં રહે છે અને પાંચમા ધોરણનાં બાળકોને ભણાવે છે.

એ બન્ને રૅર કન્ડિશન ધરાવતાં કૉન્જૉઇન્ડ ટ‍્વિન્સ છે જેમાં એક શરીર અને બે માથાં હોય છે. તેમના બ્લડસ્ટ્રીમ અને કમરની નીચેના તમામ અવયવો એક જ છે. ઍબી જમણા હાથ અને પગને કન્ટ્રોલ કરે છે તો બ્રિટની ડાબી બાજુને કન્ટ્રોલ કરે છે. તેમનો જન્મ ૧૯૯૦માં થયો હતો. જોકે તેમની સર્જરી જોખમી હોવાથી તેમનાં માતા-પિતાએ બન્નેને અલગ કરવાનો નિર્ણય માંડી વાળ્યો હતો.  દર બે લાખ બાળકોમાંથી માત્ર એક જ કૉન્જૉઇન્ડ ટ‍્વિન્સ જન્મે છે જેમાંથી ૭૦ ટકા ફીમેલ હોય છે અને મોટા ભાગનાં મૃત્યુ પામે છે.

offbeat news international news