13 December, 2022 11:35 AM IST | Nuuk | Gujarati Mid-day Correspondent
જૂના ડીએનએ પરથી આશરે ૨૦ લાખ વર્ષ પહેલાંના જીવનનો અંદાજ મળ્યો
વૈજ્ઞાનિકોએ જણાવ્યા અનુસાર સાઇબીરિયન મહાકાય હાથીનાં હાડકાંમાંથી ડીએનએનાં સૅમ્પલ મળ્યાં છે, જે લગભગ ૨૦ લાખ વર્ષ પૂર્વેના ઇકોસિસ્ટમના ડીએનએ વિશે જાણવામાં સીધી મદદ કરી શકે છે. ગ્રીનલૅન્ડમાં મળી આવેલા ડીએનએ સૅમ્પલની મદદથી વૈજ્ઞાનિકો ૨૦ લાખ વર્ષ પહેલાં જીવન કેવું હતું એ પ્રશ્નનો જવાબ આપવા સમર્થ બની શકશે.
ઉત્તરીય ગ્રીનલૅન્ડમાં કરવામાં આવેલી આ શોધ અગાઉના સૌથી જૂના નોંધાયેલા ડીએનએ ટુકડા કરતાં ૧૦ લાખ વર્ષ પહેલાંની છે. નિષ્ણાતોની ટીમનું માનવું છે કે આ ડીએનએનાં સૅમ્પલની મદદથી ૨૦ લાખ વર્ષ પહેલાંના જીવનની ઝાંખી મળી શકશે.
જે પ્રાણીના ડીએનએ મળી આવ્યા છે એ બરફયુગનું સસ્તન પ્રાણી માસ્ટોડોન છે જે લુપ્ત થતાં પહેલાં ગ્રીનલૅન્ડમાં ફરતું હતું. એક ખાસ ફૉર્મેશનમાં ૪૧ જેટલા ઉપયોગી ડીએનએ નમૂનાઓ માટી અને ક્વાર્ટ્ઝમાં છુપાયેલા મળી આવ્યા હતા.
અભ્યાસ દરમ્યાન ડીએનએના ટુકડા સાઇબીરિયન મહાકાય પ્રાણીના હાડકાંમાંથી લેવાયેલા ડીએનએ અગાઉના રેકૉર્ડ કરતાં એક મિલ્યન વર્ષ જૂના હતા એ નિષ્કર્ષ પર પહોંચવા માટે વૈજ્ઞાનિકોની ટીમે અત્યાધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હતો વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ ડીએનએ ‘ગ્લોબલ વૉર્મિંગની વિનાશક અસર’ સામે લડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.