16 February, 2020 08:11 AM IST | Bali
એક વર્ષ સુધી પાણી ન પીવાથી સ્વાસ્થ્ય સુધર્યું હોવાના ન્યુટ્રિશનિસ્ટના દાવાએ સોશ્યલ મીડિયામાં ચર્ચા છેડી છે. ૩૫ વર્ષની વયની સોફી પ્રતીક સાંધામાં દુખાવા, સૂજી ગયેલી આંખો, ખોરાકની ઍલર્જી, ત્વચાની સમસ્યા અને પાચનતંત્રની તકલીફ જેવી અનેક સમસ્યાથી પીડાતી હતી. જોકે પાણી વિનાનો ઉપવાસ કર્યા બાદ હવે તેને તેની શારીરિક સમસ્યાઓથી છુટકારો મળ્યો છે.
સોફી દિવસમાં ૧૩-૧૪ કલાક પ્રવાહી વિના રહી શકે છે અને જ્યારે પ્રવાહી પીણું લે છે તો માત્ર ફળ અને શાકભાજીનો રસ જ પીએ છે. અત્યાર સુધીમાં તે સૌથી લાંબો સમય એટલે કે બાવન કલાક સુધી પ્રવાહી વિના રહી શકી છે. સોફીનું માનવું છે કે પાણીની જરૂર આપણા મનની હોય છે. જો મનથી નક્કી કરીએ તો ધીમે-ધીમે પાણી વિના પણ રહી શકાય છે.
હાલમાં બાલીમાં રહેતી આ ન્યુટ્રિશનિસ્ટને તેની શારીરિક તકલીફ માટે કોઈ ચિંતાકારક બાબત ન હોવાનું જણાવતાં આંખોનો સોજો દૂર કરવા પ્લાસ્ટિક સર્જરીનો વિકલ્પ સૂચવ્યો હતો. જોકે પાણી વિનાના ઉપવાસ પછી તેની તમામ શારીરિક તકલીફ દૂર થઈ ગઈ છે અને એથી જ તે હવે આ વિષય પર સંશોધન કરવા માગે છે.
નળમાંથી કે બાટલીમાં ભરેલું પાણી પીવાથી કિડનીએ વધુ કામ કરવું પડે છે અને તમારા શરીરમાંથી બધાં પોષક તત્ત્વો બહાર નીકળી જાય છે એમ જણાવતાં સોફીએ ઉમેર્યું હતું કે હાઇડ્રેટેડ રહેવા માટે પાણીની જરૂર નથી, જ્યારે પાણી વિનાના ઉપવાસ શરૂ કરશો ત્યારે તમને તરત જ ખ્યાલ આવશે કે વાસ્તવમાં શરીરને પાણીની જરૂર જ નથી.