05 June, 2020 08:04 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
ચમકીલું બ્લુ પુડિંગ
જપાનના શિઝુકા શહેરનું નુમાઝુ પોર્ટ દરિયાઈ ખાદ્ય પદાર્થોની વાનગીઓ અને સુરુગા ખાડીનાં નયનરમ્ય દૃશ્યો માટે જાણીતું હતું, પરંતુ હવે સોશ્યલ મીડિયા પર ફરતા બ્લુ પુડિંગના ફોટોગ્રાફ્સને કારણે શિઝુકા અને નુમાઝુ પોર્ટ જાણીતાં બન્યાં છે. ૨૦૧૮ના જુલાઈ મહિનામાં નુમાઝુ ડીપ સી પુડિંગ ફૅક્ટરી શરૂ થઈ.
પુડિંગ્સ, આઇસક્રીમ અને ફ્લેવર્ડ સોડા જેવી ફૂડ-પ્રોડક્ટ્સ માટે એ ફૅક્ટરીએ ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એ ફૅક્ટરીમાં કોઈ વિશિષ્ટ અને સૌને માટે આકર્ષક ખાદ્ય પદાર્થની વાનગીની શોધ ચાલતી હતી. પુડિંગની એક વરાઇટી મળતાં એ શોધ પૂરી થઈ હતી. જપાન પાસેનો સમુદ્ર ભૂરા રંગનો હોવાથી પુડિંગની એ વરાઇટીને ભૂરા રંગની બનાવવામાં આવી. માર્માલેડ અને બ્લડ ઑરેન્જ જેલીના બનેલા એ પુડિંગમાં ભૂરા રંગ માટે સોડા ફ્લેવર્ડ જેલીનો ઉપયોગ કરવામાં આવે છે. રોજની અઢી હજાર બરણી ભરીને એ પુડિંગ વેચાતું હોવાનો દાવો કરવામાં આવે છે. તેમની કેટલીક કલરફુલ આઇસક્રીમ અને ફલેવર્ડ સોડા પણ મશહૂર છે.