15 March, 2021 07:36 AM IST | Washington
હમિંગ બર્ડ
વૉશિંગ્ટનના સ્મિથ્સોનિયન નૅશનલ ઝૂના અધિકારીઓએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર નાનકડા હમિંગ બર્ડનું વજન કેવી રીતે કર્યું એનો વિડિયો શૅર કર્યો છે. સ્પૉટ નામે ઓળખાતું પાંચેક વર્ષનું હમિંગ બર્ડ પાણીમાં પડ્યું હતું ત્યાંથી એને ઝૂના કર્મચારીઓએ બચાવ્યું હતું. એ પંખીનું વજન કેવી રીતે કરવામાં આવ્યું એનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ લોકપ્રિય થયો છે.
પંખીને ખાસ તાલીમ આપવામાં આવે છે અને અમુક સમય બાદ એનું વજન માપવામાં આવે છે. પંખીએ વજન ઘટાડ્યું છે કે એનું વજન વધી ગયું છે કે અગાઉ જેવું જ રહ્યું છે એની નોંધ લેવામાં આવે છે. જરૂર લાગે તો ઝૂના ન્યૂટ્રિશનિસ્ટની પણ મદદ લેવાય છે જેથી તેઓ જે-તે પંખી માટે યોગ્ય ડાયટ સૂચવી શકે અને એને નીરોગી રાખી શકે. સૌથી મહત્ત્વની વાત એ છે કે પંખીનું વજન માપવા માટે ખૂબ ધૈર્ય જરૂરી હોય છે અને એમાં ટેક્નૉલૉજીની ખપ પૂરતી મદદ લેવાય છે.