26 October, 2022 08:34 AM IST | Chilika Lake | Gujarati Mid-day Correspondent
ચિલિકા સરોવર
ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાઈકે ટ્વિટર પર ચિલિકા સરોવરના મંત્રમુગ્ધ કરતા ફોટો શૅર કર્યા છે. ચિલિકા સરોવર ઓડિશામાં આવેલું ખારા પાણીનું સરોવર છે જે સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા (યુનેસ્કો) વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.
આ ફોટોમાં ચિલિકા તળાવનું લીલુંછમ વાતાવરણ અને સ્પષ્ટ વાદળી પાણી દેખાય છે, સરોવરકિનારે નાની હોડીઓ લાંગરેલી છે. પોસ્ટ શૅર કરી કૅપ્શનમાં તેમણે લખ્યું છે, ‘ચિલિકા તળાવ ઓડિશાની સંસ્કૃતિ અને સાહિત્યનું અભિન્ન અંગ છે, પ્રકૃતિપ્રેમીઓનું સ્વર્ગ છે અને એવિયન મહેમાનોના આકર્ષક કાર્નિવલનું યજમાન છે.’
તેમની પોસ્ટને અત્યાર સુધી ૧૦૦૦થી વધુ લાઇક્સ મળી છે. અનેક ટ્વિટર-યુઝર્સે રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટે શ્રી પટનાયકની પ્રશંસા કરી છે, તો વળી કેટલાકે તળાવની નાજુક ઇકો સિસ્ટમને ધ્યાનમાં રાખીને એની નજીકની પ્રવાસન સંબંધિત પ્રવૃત્તિઓ ઇકો-ફ્રેન્ડલી જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા છે.