13 December, 2022 11:22 AM IST | Kuala Lumpur | Gujarati Mid-day Correspondent
મલેશિયાએ બનાવી ફ્લોટિંગ સિટીની યોજના
ચીન અને સાઉદી અરેબિયા બાદ ફ્લોટિંગ સિટીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં મલેશિયાએ પણ ઝંપલાવ્યું છે. મલેશિયાના પેનાંગ ટાપુ પર વિશાળ કુત્રિમ ટાપુઓની ડિઝાઇન બહાર પાડવામાં આવી છે. લિલીપેડ નામના આ ફ્લોટિંગ શહેરમાં ડ્રાઇવર વિનાની કાર અને પાઇલટ વિનાના હેલિકૉપ્ટર ઉપરાંત અનેક સુવિધા હશે. ડેન્માર્કની આર્કિટેક્ચર અને ડિઝાઇન ફર્મ તથા મલેશિયાની જાણીતી આર્કિટેક્ટ હિજાસ બિન કસ્તુરી દ્વારા સૌપ્રથમ આ પ્રોજેક્ટની યોજના ૨૦૨૦માં રજૂ કરવામાં આવી હતી. જો આ વિશાળ પ્રોજેક્ટ પૂર્ણ થાય તો કુલ ૧૮૨૧ હેક્ટર વિસ્તારમાં ત્રણ તરતા ટાપુઓનો સમાવેશ થશે.. દરેક ટાપુને લિલીપેડના આકારમાં તૈયાર કરવામાં આવશે, જેમાં પાંચ કિલોમીટરનો દરિયાકિનારો, ૨૪૨ હેક્ટરમાં પાર્ક હશે. દરેક ટાપુ પર ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ જેટલા લોકો રહી શકે. મોટા ભાગની ઇમારતો વાંસ અને સ્થાનિક રીતે મેળવેલાં લાકડાં તથા ગ્રીન કૉન્ક્રીટના મિશ્રણમાંથી બનાવવામાં આવશે.
બાયોડાઇવર્સિટીનું ધ્યેય ટાપુના સુંદર દરિયાકિનારા અને કુદરતી લૅન્ડસ્કેપને નુકસાન પહોંચાડ્યા વિના પેનાંગમાં પ્રવાસીઓ અને નોકરીઓ લાવીને આને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાનો છે. આ ટાપુના મધ્યમાં ૨૦૦ હેક્ટરનો ડિજિટલ પાર્ક હશે, જે મહેમાનોને ટેક્નૉલૉજી, રોબોટિક્સ અને વર્ચ્યુઅલ રિયલિટીની દુનિયામાં લઈ જશે. ડેન્માર્કની કંપની જપાનમાં પણ ભવિષ્યના શહેર માટેની યોજના પર કામ કરી રહી છે. આ યોજના ટૉયોટા સાથે ભાગીદારીમાં બનાવવામાં આવી છે.