26 November, 2024 03:16 PM IST | Oslo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નૉર્વેમાં પંચાવન વર્ષના આર્ન બાય નામના એક ગાયનેકોલૉજિસ્ટ સામે ૨૦ વર્ષમાં ૮૭ મહિલાઓ પર બળાત્કાર કરવાનો આરોપ મુકાયો છે અને હવે તેની સામે કોર્ટમાં ખટલો શરૂ કરવામાં આવ્યો છે. તેણે ૧૪ અને ૧૫ વર્ષથી લઈને ૬૭ વર્ષની મહિલાઓને તેની હવસનો શિકાર બનાવી હતી. તેણે તેના વ્યવસાયનો ખોટી રીતે ઉપયોગ કરીને આ મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હતું અને તેમની જાણ બહાર ગાયનેક પરીક્ષણના બહાને અશ્લીલ વિડિયો ઉતારી લીધા હતા. પોલીસે આવા ૬૦૦૦ કલાકના વિડિયો જપ્ત કર્યા છે. નૉર્વેના ઇતિહાસમાં જાતીય અત્યાચારનો આ સૌથી મોટો કેસ માનવામાં આવી રહ્યો છે.
ડૉક્ટર સામે આરોપ છે કે તેણે કુલ ૯૪ મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને એમાં બે સગીર વયની હતી. આ ડૉક્ટરે ૩૫ કેસમાં તો આરોપ સ્વીકાર્યા છે. તેની સામે આરોપ છે કે તેણે તેના ક્લિનિક અને ઘરમાં મહિલાઓની જાણકારી બહાર ગાયનોલૉજિકલ ટેસ્ટ કરી હતી. આરોપીની આવી હરકતો જાણીને નૉર્વેના નાનકડા ગામ ફ્રૉસ્ટામાં લોકો ચોંકી ગયા છે, કારણ કે આ ગામમાં તેણે લાંબા સમય સુધી ગાયનેક તરીકે કામ કર્યું હતું.
તેની સામેના આ આરોપો પુરવાર થશે તો તેને ૨૧ વર્ષની જેલની સજા કરવામાં આવશે. તેની સામે શરૂ થયેલા ખટલામાં એક મહિલાએ જણાવ્યું હતું કે ‘મને ગળામાં સોજો આવ્યો હોવાથી હું આ ડૉક્ટરને બતાવવા ગઈ હતી, પણ તેણે મારું પરીક્ષણ કરતી વખતે મારી અન્ડરવેરમાં ગોળાકાર બૉટલ જેવી ચીજ ઘુસાડી દીધી હતી. એ અનુભવ એટલો ખરાબ હતો કે મને લાગ્યું કે હું મરી જઈશ.’