નાસાના ઉપગ્રહે મોકલી ભૂરા સમુદ્ર અને ઉત્તર ભારતના સ્મૉગની અદ્ભુત તસવીરો

04 January, 2023 10:13 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

નાસા દ્વારા તાજેતરમાં છોડવામાં આવેલો ઉપગ્રહ એનઓએએ-૨૧ આપણા સમુદ્ર વાતાવરણ અને જમીન વિશેની મહત્ત્વની માહિતી આપશે

નાસાના ઉપગ્રહે મોકલી ભૂરા સમુદ્ર અને ઉત્તર ભારતના સ્મૉગની અદ્ભુત તસવીરો

નાસાના ઉપગ્રહે તાજેતરમાં કૅરિબિયન સમુદ્રમાં ભૂરા રંગના પાણી અને ઉત્તર ભારતમાં છવાયેલા સ્મૉગના અદ્ભુત ફોટો પાડ્યા છે. આ ઉપગ્રહ પૃથ્વીના ખૂબ જ અદ્ભુત ફોટો આકાશમાંથી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એ સમુદ્રની ઇકોલૉજી અને દરિયાઈ સ્વાસ્થ્ય પર નજર રાખશે. નાસા દ્વારા તાજેતરમાં છોડવામાં આવેલો ઉપગ્રહ એનઓએએ-૨૧ આપણા સમુદ્ર વાતાવરણ અને જમીન વિશેની મહત્ત્વની માહિતી આપશે. ડિસેમ્બરથી એણે કામગીરી શરૂ કરી દીધી છે. એ બરફથી છવાયેલા હિમાલય અને તિબેટના ઉચ્ચ પ્રદેશો, પરાળી બાળવાને કારણે ઉત્તર ભારતમાં ફેલાતા સ્મૉગના ફોટો મોકલે છે. પ્રોગ્રામ સાયન્ટિસ્ટ ડૉ. સત્યા કલ્લુરીએ કહ્યું હતું કે ક્યુબાના સમુદ્રમાં જે ભૂરો રંગ દેખાય છે એ છીછરા પાણીના કાંપમાંથી આવે છે. આ ઉપગ્રહની મદદથી જંગલની આગ, દુકાળ અને પૂરને શોધી અને માપી શકાય છે. વીઆઇઆઇઆરએસ દાવાનળના ધુમાડાની જાડાઈ અને એની હિલચાલને પણ ટ્રૅક કરે છે. આ ઉપગ્રહ દ્વારા લીધેલા ફોટોગ્રાફ વૈજ્ઞાનિકોને પૃથ્વીની સપાટીની વિગતો જોવાની મંજૂરી આપે છે. આ ઉપગ્રહને ૧૦ નવેમ્બરે લૉન્ચ કરવામાં આવ્યો હતો. ૨૭,૩૬૦ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે આ ગ્રહ દરરોજ બે વખત પૃથ્વીની સપાટીનું સંપૂર્ણ નિરીક્ષણ કરે છે.

offbeat news nasa international news north india